ખેતરમાં પુળા નીચે છુપાવેલ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
અમનઉલ્લા ગુલામનબી મલેકની અટકાયત કરી ખેતરમાં તપાસ કરતા ત્યાંથી ચાઇના દોરીના કુલ ૨૨૪ નંગ રીલ મળી આવ્યા હતા.
(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા માંથી ખેતરમાં પુળા નીચે છુપાવેલ ચાઇનીઝ રીલ રૂ ૮૯ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરી બે વ્યક્તિઓને પકડી પાડ્યા છે
મળતી માહિતી મુજબ મહુધા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ગોહિલના સુપરવિઝન હેઠળ પો.સબ.ઇન્સ એસ.આઇ.ડાભી તથા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
આ દરમિયાન બાતમી મળી હતી કે, મહુધાના ફીણાવ ભાગોળ વિસ્તારમાં અમનઉલ્લા ગુલામનબી મલેકના ખેતરમાં સૂકા પુળાની નીચે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
પોલીસે બાતમી વાળી જગ્યાએથી અમનઉલ્લા ગુલામનબી મલેકની અટકાયત કરી ખેતરમાં તપાસ કરતા ત્યાંથી ચાઇના દોરીના કુલ ૨૨૪ નંગ રીલ મળી આવ્યા હતા.
પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ પ્રતિબંધિત દોરીનો જથ્થો સાહીદહુસેન ઉર્ફે સાહીલ સાબીરહુસેન મલેકનો છે. પોલીસે આ કબૂલાતના આધારે બીજા આરોપી સાહીદહુસેન ઉર્ફે સાહીલને પણ ઝડપી પાડ્યો હતો.
પોલીસ દ્વારા કુલ ૨૨૪ નંગ ચાઇના દોરીના રીલ જેની કિંમત રૂપિયા ૮૯,૬૦૦/- થાય છે તે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા બંને આરોપીઓ સાહીદહુસેન ઉર્ફે સાહીલ અને અમનઉલ્લા ગુલામનબી મલેક (બંને રહે. ફીણાવ ભાગોળ, મહુધા) વિરૂદ્ધ ખેડા-નડીયાદ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
