એક મહીનામાં રોંગ-સાઈડ, સિગ્નલ ભંગ કરનાર સુરતમાં ૭૭પ૧૦ વાહનચાલકો પકડાયા
પ્રતિકાત્મક
ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટેની ખાસ ઝુંબેશમાં રવિવારે એક જ દિવસે ૯૬૧ કેસ કરાયા
સુરત, સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવવાનું દૂષણ વધ્યું છે. ગંભીર તથા પ્રાણઘાતક માર્ગ અકસ્માતો પાછળ આ પણ એક મોટું કારણ છે. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા અને તેના પણ ખાસ રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારા વાહન ચાલકો સામે શહેર વિસ્તારમાં સ્પેશિયિલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડ્રાઈવમાં ચારેય રિજીયનમાં અલગ અલગ ટીમો બનાવી જે વિસ્તારોમાં રોંગ-સાઈડ વાહન ચલાવવાનું પ્રમાણ વધુ છે તથા જ્યાં અકસ્માતોની સંભાવના વધુ છે તેવા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંથ હાથ ધર્યું હતું. સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન તા.ર૮-૧ર-ર૦રપના રોજ ખાસ કરીને રોંગ સાઈડ વાહન ચલાવનાર, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનાર તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો વિરૂદ્ધ સ્થળદંડ અને ઈ-ચલણના માધ્યમથી કુલ ૯૬૧ કેસો કરવામાં આવ્યા હતા.
એક મહિના સુધી ચાલેલી સ્પે.ડ્રાઈવ દરમિયાન ૪૭૭૯ જેટલા રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ, હેલ્મેટ વિના ૩૯૭ર, સિગ્નલ ભંગ બદલ ૧પ૩૩૯, ઓવર સ્પીડમાં ર૮૯૬૩ અન્ય હેડ વાઈઝ ર૪૪પ૯ મળી કુલ ૭૭પ૧૦ ટ્રાફિક નિયમભંગના કેસો કરવામાં આવ્યા હતા.
આગામી દિવસોમાં પણ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તથા અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખી નિયમભંગ કરનારાઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું શહેર પોલીસનું કહેવું હતું.
