નિર્ભયા કેસ : દોષી વિનય માનસિક રીતે બીમાર હોવાનો વકીલનો દાવો
નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષી સતત ફાંસીની સજા માફ કરવા માટે નવાં નવાં ગતકડાં કરી રહ્યા છે. દોષી વિનય શર્માએ હવે રાષ્ટ્રપતિ તરફથી રદ કરવામાં આવેલી દયા અરજીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવીને કોર્ટમાં દલીલ કરી છે કે તેની માનસિક હાલત સારી નથી. દોષી વિનયે આ અરજી દાખલ કરતાની સાથે જ પોતાની ફાંસીની સજા માફ કરવાની માંગણી કરી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી રદ કરી નાખવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી વિનય શર્માની અરજી પર શુક્રવાર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો.
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે જ્યારે દોષી વિનય શર્માની અરજી પર સુનાવણી ચાલી રહી હતી ત્યારે દોષીના વકીલ એ.પી. સિંહે કોર્ટને જણાવ્યું કે વિનયની માનસિક હાલત સારી નથી. વકીલે દાવો કર્યો કે માનસિક રીતે પ્રતાડિત કરવાને કારણે વિનયની માનસિક હાલત સારી નથી, આ કારણે તેને ફાંસી ન આપી શકાય. વકીલે જણાવ્યું કે મારા ક્લાઇન્ટને જેલના તંત્ર તરફથી પહેલા પણ અનેક વખત હોસ્પિટલ મોકલવામાં આવી ચુક્યો છે, તેને દવા પણ આપવામાં આવી છે. વકીલે કોર્ટમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિને મેન્ટલ હૉસ્પિટલમાં ત્યારે જ મોકલવામાં આવે છે જ્યારે તેની માનસિક હાલત સારી ન હોય. આવા સમયે માનસિક રીતે કમજોર વ્યક્તિને ફાંસી ન આપી શકાય.
સુનાવણી દરમિયાન વકીલ એ.પી.સિંહે રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી રદ કરવાની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. તેમણે કહ્યું, “હું અન્યાય રોકવા માંગું છું.” વકીલે કોર્ટમાં કહ્યું કે તેના ક્લાયન્ટની દયા અરજી રદ કરવામાં યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, સામાજિક તપાસ રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ અને અપરાધમાં તેની સીમિત ભૂમિકાને ધ્યાનમાં રાખ્યા વગર રાષ્ટ્રપતિએ તેની અરજી રદી કરી નાખી છે.
એ.પી.સિંહે કોર્ટમાં કહ્યું કે, વિનય શર્માનો કોઈ જ ગુનાહિત રેકોર્ડ નથી. તે સતત ગુના કરતો વ્યક્તિ નથી. તે ખેતી કરતા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મારી દલીલો કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ પર આધારિત છે. આ અંગે જસ્ટિસ અશોક ભૂષણે કહ્યુ કે તમે આવું બધું જણાવ્યા વગર સીધા તમારી બીજી દલીલો અંગે વાત કરો. વકીલે કહ્યુ કે કેન્દ્રીય ગૃહમંત્રી અને ઉપરાજ્યપાલના સહી નથી. આ અંગે સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને દસ્તાવેજો બતાવ્યા હતા, જે બાદમાં એ.પી.સિંહને કોર્ટે બીજા મુદ્દાઓ પર દલીલ આપવાનું કહ્યું હતું.