શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષાનું કરાયું આયોજન
પ્રતિકાત્મક
સંસ્કૃત પ્રેમીઓ આગામી તા. ૦૭ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી કરી શકશે ઓનલાઈન નોંધણી
Gandhinagar, રાજ્યમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના એટલે કે સંપૂર્ણ ગીતા કંઠપાઠ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમીક્ષા-પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્કૃત પ્રેમીઓ અને પ્રતિભાગીઓ
તા. ૦૧ જાન્યુઆરીથી તા. ૦૭ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રાજ્ય સંસ્કૃત બોર્ડની અધિકૃત વેબસાઇટ https://grsb.gujarat.gov.in/ મારફતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વધુમાં, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની માર્ગદર્શિકા https://drive.google.com/file/
આ પરીક્ષામાં ભાગ લેનાર પ્રતિભાગીઓના કંઠસ્થ શ્લોકોની અને સુભાષિતની નિપુણતા, ઉચ્ચારણની શુદ્ધતા, લયછંદ અને ભાવભક્તિની યુનિવર્સિટી કક્ષાએ નિષ્ણાંતો દ્વારા સમીક્ષા કરવામાં આવશે. યુનિવર્સિટી કક્ષાની આ વિશેષ સમીક્ષામાં ઉત્તીર્ણ થનાર સંપૂર્ણ ગીતા કંઠપાઠ કરનાર પ્રતિભાગીઓને ‘ગીતાભૂષણ’ની પ્રતિષ્ઠિત પદવી તેમજ શત સુભાષિત કંઠપાઠમાં સફળ થનારને ‘શત સુભાષિત પંડિત’ની ગૌરવપૂર્ણ ઉપાધિથી રાજ્ય કક્ષાના ભવ્ય સમારોહમાં સન્માનિત કરવામાં આવશે
તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સુવર્ણ અવસરમાં વધુમાં વધુ સંસ્કૃતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા નાગરિકોએ ભાગ લઈને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ મજબૂત બનાવવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ભારત કે વિશ્વની જ નહીં, બ્રહ્માંડની દિવ્યભાષા સંસ્કૃત છે. જેનો આશ્રય લઈને ભારતનો ભવ્ય જ્ઞાન વારસો આજે પણ અડીખમ ઊભો છે.
આ દેવભાષાનો પ્રચાર-પ્રસાર અને સંવર્ધન એટલે ભારતનું મૂળ તત્વરૂપ, જ્ઞાન, વિજ્ઞાન અને ન્યાય, નીતિ, સ્વધર્મ, સંસ્કૃતિ વિકાસની સાથે-સાથે આસ્તિકતા અર્થાત્ સ્તુત્ય નાગરિકત્વનો આવિર્ભાવ છે. આ જ્ઞાન પરંપરારૂપી સંસ્કૃત ભાષા અને સાહિત્યનો પ્રચાર-પ્રસાર રાજ્યવ્યાપી અને દેશવ્યાપી બને તેવો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડનો ઉદ્દેશ્ય છે.
જે અંતર્ગત તાજેતરમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં જન માનસમાં પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીનતમ ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન તેમજ જતન-સંવર્ધન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘યોજના પંચકમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના પંચકમ્ અન્વયે સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના – સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના – સંસ્કૃત પ્રોત્સાહન યોજના – શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના – શત સુભાષિત કંઠપાઠ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
