માર્ચમાં કેજરીવાલ ગાંધીનગર ખાતે સભા સંબોધશે
નવી દિલ્હી, દિલ્હીમાં એકલા હાથે ભાજપને હરાવીને સત્તા પર ફરીથી આરૂઢ થયેલા આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ માર્ચ મહિનામાં દિલ્હીનું વિકાસ મોડેલ લઈને ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એન્ટી ઇન્કમ્બમન્સી ફેકટરનો સામનો કરી રહેલા ભાજપને હંફાવવા માટે આમ આદમી પાર્ટી કોર્પોરેશનની ચૂંટણીમાં પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ માર્ચમાં ગુજરાતની મુલાકાતે આવશે અને ગાંધીનગરમાં જનસભાને સંબોધિત કરશે. આ વખતે કેટલાક મોટા રાજકીય નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડે તેવી શકયતા છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગતિવિધિ સક્રીય કરવા માટે ગુજરાતમાં ૨૮ જિલ્લાઓમાં અને તમામ મહાનગરપાલિકા મત વિસ્તારમાં જીતનો જશ્ન મનાવાયો. અને આ રીતે પ્રદેશ કક્ષાએ પાર્ટીમાં પ્રાણ પૂરવાની કોશિશ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક લાખ કાર્યકર્તા છે. ૨૦ લાખ સભ્ય છે. ગુજરાત ભાજપમાં જાતિવાદ, ક્ષેત્રવાદ અને જુદા જુદા નેતાઓની જૂથબંધ ચાલે છે. ચૂંટણી વખતે પેરાશૂટ ઉમેદવારો લઇ આવે છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે સોદાબાજી કરી લેતા હોવાથી પાર્ટીને નુકસાન થાય છે.