Western Times News

Gujarati News

હવે આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેતપેદાશો ઉપલબ્ધ બનશે

કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રત

પ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશે

આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨ પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા  માહિતી કેન્દ્ર (એટીક) ના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.

આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેત પેદાશો ઉપલબ્ધ બની રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી એટીક ખાતે શુભારંભ કરવામાં આવેલા આ પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ કેન્દ્ર ઉપર પ્રત્યેક મંગળવારે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ જણસો જેવી કે શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવશે.

‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર’ ના ઉદ્દઘાટન પ્રસંગે વિવિધ તાલુકાઓના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં સોજીત્રા, ઉમરેઠ, પેટલાદ, આંકલાવ, આણંદ અને બોરસદ જેવા તાલુકાઓના ખેડૂતો પોતાના પ્રાકૃતિક ઉત્પાદનો જેવા કે વિવિધ શાકભાજી, કઠોળ, અનાજ (બાજરી, રાગી, ચોખા), હળદર, સરગવાનો પાઉડર અને ફળોના વેચાણ માટેના ૨૯ જેટલા પ્રાકૃતિક ખેતી આધારિત વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા,

આ વેંચાણ કેન્દ્ર ખાતે પોતાની કૃષિ જણસોનું વેંચાણ કરવા આવેલા ધરતીપુત્રો સાથે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ જણસો વિશે વિસ્તૃત જાણકારી મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી તેમને થયેલા ફાયદાની જાત માહિતી મેળવી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડૉ. કે. બી. કથીરીયા, નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉ. જે. એમ. વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત બાગાયત તથા કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.