ખાસ સમય ફાળવીને મુખ્યમંત્રીએ ડાંગના વનવાસી બાળકો સાથે સંવાદ-મુલાકાત કરી
ડાંગ જિલ્લાના માલેગામની શાળાના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી સાથેની મુલાકાત યાદગાર સંભારણું બની-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વનવાસી વિદ્યાર્થીઓ પ્રત્યે અનોખી સંવેદના
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વનવાસી વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના દાખવીને ડાંગના બાળકો સાથે ખાસ સમય ફાળવીને ગાંધીનગરમાં મુલાકાત કરી હતી.
ડાંગ જિલ્લાના માલેગામની શાળાના શિક્ષકો સહિત 150થી વધુ વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગાંધીનગર આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીશ્રી સાથેની તેમની આ સહજ મુલાકાત આદિજાતિ વિદ્યાર્થીઓ માટે યાદગાર સંભારણું બની હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બાળકો પાસેથી તેમને અભ્યાસ માટે મળી રહેલી અદ્યતન સુવિધાઓની વિગતો પણ જાણી હતી. સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકીયાના ટ્રસ્ટીપણા હેઠળ સંચાલિત પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ડાંગ જિલ્લાના માલેગામમાં વનવાસી વિદ્યાર્થીઓ માટે સર્વાંગી શિક્ષણ અને વિકાસનો અનોખો સેવાયજ્ઞ ચાલે છે.
પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા 2002થી શરૂ થયેલા સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરમાં ડાંગ જિલ્લાના 142 અંતરિયાળ ગામોના 400થી વધુ બાળકો આ નિવાસી શાળામાં અભ્યાસનો લાભ મેળવી રહ્યાં છે.
આ શાળામાં ભણીને આ વર્ષે 1 વિદ્યાર્થી આઈ.આઈ.ટી દિલ્હીમાં અને 2 વિદ્યાર્થીઓ આઈ.આઈ.ટી રૂડકી અને ગોવામાં છે. અગાઉ 182 એન્જિનીયર્સ, 22 ડોક્ટર્સ, 36 શિક્ષકો અને 65 જેટલા વિદ્યાર્થીઓએ પેરામેડિકલ અભ્યાસનો લાભ મેળવ્યો છે તેની વિગતોથી પણ મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સંસ્થાના અગ્રણી શ્રી પી. પી. સ્વામી તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
