13 વર્ષની દિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ સંતાનોના પિતાને ૨૦ વર્ષની સખત કેદની સજા
(પ્રતિનિધિ) નડિયાદ, ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામની સીમમાં બે વર્ષ પૂર્વે ૧૩ વર્ષની માનસિક અને શારીરિક અશક્ત દિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં નડિઆદની સેશન્સ અદાલતે આરોપી ને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ અને કુલ ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામના શેખ ફળિયામાં રહેતો રિયાઝખાન અકબરખાન પઠાણ પોતે પરિણિત અને ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં, તેણે બે વર્ષ પૂર્વે ગામની સીમમાં ગયેલી ૧૩ વર્ષની દિવ્યાંગ બાળકીની લાચારીનો લાભ લીધો હતો.
ભોગ બનનાર બાળકી જ્યારે ગૌયર જમીનમાં તેના પિતાને જમવા માટે બોલાવવા જતી હતી, ત્યારે આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે બાળકીના પિતા ત્યાં આવી પહોંચતા તેમણે આરોપીને નજરે જોયો હતો અને બૂમાબૂમ કરતા આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. તપાસ કર્યા બાદ ચાર્જસીટ કોર્ટમાં મૂકી હતી
આ કેસ નડિઆદની સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા જિલ્લા સરકારી વકીલ ધવલ બારોટ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. સરકાર પક્ષે કુલ ૧૧ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને ૨૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ભોગ બનનારની જુબાની, નજરે જોનાર પિતાની જુબાની તેમજ મેડિકલ રિપોર્ટ અને પોઝિટિવ એફએસએલ અહેવાલ મુખ્ય પુરાવા સાબિત થયા હતા.
પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ અદાલતે આરોપી રિયાઝખાનને પોકસો એક્ટની કલમ ૩(એ), ૪ અને ૫(કે) મુજબના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, અદાલતે ભોગ બનનાર બાળકીને સરકારના ઠરાવ મુજબ ૧,૦૦,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
