ચૂંટણી લડનારા ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઈટ પર દર્શાવે પાર્ટી: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: રાજકારણમાં ગુનાહિત છબી ધરાવતા લોકોના વધતા દબદબા પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે તમામ રાજનીતિક પાર્ટીઓને આદેશ આપ્યો છે કે, તેઓ પોતાની વેબસાઈટ પર તમામ ઉમેદવારોની યાદી શેર કરે. જેમાં ઉમેદવારો પર દાખલ થયેલા ગુનાહિત કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગી પાછળનું કારણ પણ દર્શાવવાનું રહેશે. એટલે કે, રાજનીતિક પાર્ટીઓએ હવે એ પણ જણાવવું પડશે કે, આખરે તેમણે કેમ કોઈ ગુનેગારને ટિકિટ આપી છે? ગુરૂવારે એક અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ પ્રમાણે, તમામ રાજનીતિક પાર્ટીઓને ઉમેદવારો જાહેર કર્યાના 72 કલાકની અંદર ચૂંટણી પંચની પણ તેની જાણકારી આપવી પડશે. આ સાથે જ જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની જાણકારીને સ્થાનિક ન્યૂઝ પેપરમાં છપાવવાની રહેશે.
આ અરજીના દાખલ કરનારા વકીલ અશ્વિની ઉપાધ્યાયે જણાવ્યું કે, જો કોઈ પણ ઉમેદવાર કે રાજનીતિક પાર્ટી આ આદેશોનું પાલન નહી કરે, તો તેને કોર્ટની અવમાનના માનવામાં આવશે. આથી તમામ ઉમેદવારોની વર્તમાન પત્રોમાં જાણકારી આપવી પડશે. વકીલના જણાવ્યા પ્રમાણે, જો કોઈ નેતા કે ઉમેદવાર વિરૂદ્ધ કોઈ કેસ નથી અને FIR પણ દાખલ નથી થઈ, તો તેની પણ જાણકારી જે-તે ઉમેદવારે આપવી પડશે. જો કોઈ પણ નેતા સોશિયલ મીડિયા, ન્યૂઝ પેપર કે વેબસાઈટ પર આ તમામ જાણકારીઓ નથી આપતો, તો ચૂંટણી પંચ તેમના વિરૂદ્ધ એક્શન લઈ શકે છે અને સુપ્રીમ કોર્ટને પણ જાણકારી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજનીતિમાં ગુનાહિત છબી ધરાવતા નેતાઓની ભાગીદારી વધી ગઈ છે. જેનો અંદાજો હાલમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીથી જ લગાવાઈ શકે છે. ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે કામ કરનારી બિન સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટ પ્રમાણે, દિલ્હીમાં ચૂંટાયેલા 70માંથી 37 ધારાસભ્યો પર ગંભીર ગુનાઓ નોંધાયા છે.