Western Times News

Gujarati News

હોસ્ટલમાંથી ધોરણ-૧૧ની વિદ્યાર્થિનીને પ્રેમી ભગાડી ગયો

AI Image

તેણે હોસ્ટલ સ્ટાફને જણાવ્યું હતું કે રવિનાના દાદાનું અવસાન થયું છે હોસ્ટલ સ્ટાફે કોઈ પણ પ્રકારની ખાતરી કર્યા વગર વિદ્યાર્થિનીને મધુર સાથે જવા દીધી હતી

સુરત, સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી.પી. સવાણી સ્કૂલની હોસ્ટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હોસ્ટલ સ્ટાફની ગંભીર બેદરકારીને કારણે ધોરણ ૧૧માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને તેનો પ્રેમી ‘તારા દાદાનું અવસાન થયું છે’ તેમ કહી હોસ્ટલમાંથી ભગાડી ગયો હતો.
આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

વિગતો મુજબ, સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા પરિવારની ૧૫ વર્ષીય દીકરી રવિના (નામ બદલ્યું છે) અબ્રામા સ્થિત પી.પી. સવાણી સ્કૂલની હોસ્ટલમાં રહીને ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે. ગત રવિવારે સવારે ૮ વાગ્યાના અરસામાં મધુર મુકેશ વાઘેલા નામનો યુવાન હોસ્ટલ પર આવ્યો હતો અને તેણે હોસ્ટલ સ્ટાફને જણાવ્યું હતું કે રવિનાના દાદાનું અવસાન થયું છે. હોસ્ટલ સ્ટાફે કોઈ પણ પ્રકારની ખાતરી કર્યા વગર વિદ્યાર્થિનીને મધુર સાથે જવા દીધી હતી.

ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે રવિવારે સાંજે હોસ્ટલ સ્ટાફે રવિનાના માતા-પિતાને ફોન કર્યો અને પૂછ્યું કે, ‘હોસ્ટલનો સમય પૂરો થયો છે, તો રવિનાને ક્્યારે પરત મૂકી જશો?’ આ સાંભળી પરિવાર ચોંકી ઉઠ્યો હતો, કારણ કે પરિવારમાં કોઈનું મૃત્યુ થયું નહોતું. તપાસ કરતા જાણવા મળ્યું કે મધુર રવિનાને પોતાની મોપેડ પર બેસાડીને લઈ ગયો છે.

પરિવારજનો તાત્કાલિક મધુરના ઘરે પહોંચ્યા હતા, પરંતુ તે પણ ગાયબ હતો. આખરે ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીજા દિવસે સવારે ૮ વાગ્યે જ્યારે રવિના હોસ્ટલ પર પરત ફરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. મધુર તેને જૂઠું બોલીને લઈ ગયો હતો અને તેઓ આખી રાત બારડોલી સ્થિત એક ગાર્ડનમાં બેઠા રહ્યા હતા.

પોલીસે આ મામલે રવિનાની પૂછપરછ હાથ ધરી છે. તેની સાથે કોઈ અઘટિત ઘટના બની છે કે કેમ તે જાણવા માટે પોલીસ દ્વારા તેનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા પણ આ બંનેના પ્રેમસંબંધની જાણ થતા પરિવારે દીકરીને હોસ્ટલમાં મૂકી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.