Western Times News

Gujarati News

નુસરત ભરુચાએ મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લેતા વિવાદ

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા

મુંબઈ,  બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા હતા. અહીં તેમણે ભગવાન મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને પરંપરા મુજબ જલાભિષેક પણ કર્યો હતો. જો કે, તેમની આ ધાર્મિક મુલાકાતે હવે એક નવો વિવાદ છેડી દીધો છે. મુસ્લિમ ધર્મગુરુઓએ નુસરતના આ પગલાંને ઇસ્લામિક સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવ્યું છે.

નુસરત ભરુચાની મંદિર મુલાકાત બાદ આૅલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવીએ આકરા પ્રહાર કર્યા છે. બરેલીથી તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘નુસરત ભરુચા શરિયાની નજરમાં ગુનેગાર છે. એક મુસ્લિમ મહિલાનું હિન્દુ મંદિરમાં જવું, પૂજા-અર્ચના કરવી અને જલાભિષેક કરવો એ ઇસ્લામની વિરુદ્ધ છે. તેમણે એક મોટું પાપ કર્યું છે.’

મૌલાના રઝવીએ નુસરત ભરુચાને સલાહ આપતા કહ્યું કે, આ કૃત્ય બદલ અલ્લાહ પાસે તૌબા (પશ્ચાતાપ) કરવી જોઈએ. ઇસ્તગફાર (ક્ષમા યાચના) પઢવી જોઈએ અને ફરીથી કલમા પઢવા જોઈએ. ઇસ્લામ અને શરિયામાં આવા કાર્યોની કોઈ પરવાનગી નથી.’

નુસરત ભરુચાએ ઉજ્જૈનમાં મહાકાલના દરબારમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી. મંદિરની પરંપરા અનુસાર તેમણે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જ્યાં એક તરફ ચાહકોએ તેમની આસ્થાના વખાણ કર્યા, ત્યાં બીજી તરફ ધાર્મિક કટ્ટરપંથીઓએ તેને ધર્મ વિરુદ્ધ ગણાવી વિવાદ સર્જ્‌યો છે. નોંધનીય છે કે, આ મુદ્દે નુસરત ભરુચા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.