Western Times News

Gujarati News

બીજા રાજયમાંથી પણ પોતાના રાજયમાં થઇ શકશે મતદાન : ચૂંટણી પંચ

નવી દિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ કહ્યું છે કે, પંચ એક એવી સીસ્ટમ કરવામાં લાગ્યું છે જેનાથી આગામી સમયમાં બીજા રાજયમાં કામ કરતા લોકો ત્યાંથી જ પોતાના રાજયની ચૂંટણીમાં મતદાન કરી શકશે. જો કે મુખ્ય ચૂંટણી કમિશનરે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આનો અર્થ એવો નથી કે લોકો પોતાના ઘરેથી જ મત આપી શકશે. મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેમણે નિર્ધારીત જગ્યાએ તો જવું જ પડશે. આના માટે કાયદામાં સુધારાની જરૂર પણ પડી શકે. મુખ્ય  ચૂંટણી કમિશનર અનુસાર, પંચમાના તેમના સાથીઓ આઇઆઇટી મદ્રાસની સાથે એક ‘બ્લોકચેન’ વિકસીત કરવામાં જોડાયેલા છે.

આ સીસ્ટમથી ચેન્નાઇમાં કામ કરનારો રાજસ્થાનનો કોઇ વ્યકિત તમિલનાડુમાં રહેતો હોવા છતાં પોતાના રાજયમાં થઇ રહેલ ચૂંટણીમાં મત આપી શકશે. અરોરાએ ગઇકાલે એક કાર્યક્રમમાં ફરીથી એક વાર કહ્યું કે ઇલેકટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ)માં કોઇ છેડછાડ શકય નથી એટલે બેલેટ પેપર તરફ પાછા વાળવાની કોઇ શકયતા નથી. તેમના કહેવા અનુસાર ચૂંટણી પંચ રાજકીય પક્ષો સાથે વિભન્ન ચૂંટણી સુધારાઓ અને આચારસંહિતા અંગે વાતચીત કરશે.  તેમણે કહ્યું કે કોઇ કાર અથવા પેનની જેમ ઇવીએમમાં ખરાબી તો ઉભી થઇ શકે પણ તેમાં ગરબડ ઉત્પન્ન ન કરી શકાય. ઇવીએમનો ઉપયોગ છેલ્લા ર૦ વર્ષથી કરાઇ રહ્યો છે. સુપ્રિમ કોર્ટ સહિત અન્ય અદાલતો પણ ઇવીએમને મતદાન માટે યોગ્ય ગણાવી ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.