ફ્રીઝ, ટીવી, એલપીજી સ્ટવ સહિતની પ્રોડક્ટ્સ માટે હવે સ્ટાર રેટિંગ ફરજિયાત
નવી દિલ્હી, સરકારે ૧ જાન્યુઆરીથી રેફ્રિજરેટર, ટીવી, એલપીજી ગેસ સ્ટવ, કુલિંગ ટાવર અને ચિલર સહિતના સંખ્યાબંધ એપ્લાયન્સિસ માટે ઉર્જા કાર્યક્ષમતા દર્શાવતું સ્ટાર રેટિંગ ફરજિયાત બનાવ્યું છે. ડીપ ફ્રીઝર, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર અને ગ્રીડ કનેક્ટેડ સોલાર ઇન્વર્ટરને પણ ઊર્જાની કેટલી બચત થાય છે તે દર્શાવતા સ્ટાર રેટિંગના નિયમો લાગુ પડશે. આ નવા સ્ટાર રેટિંગથી કૂલિંગ અપ્લાયન્સિસના ભાવમાં ૫-૧૦ ટકાનો વધારો થવાની શક્યતા છે.
સંભવતઃ ૧ જાન્યુઆરીથી લાગુ પડનારા આ ભાવ વધારાને કારણે, જીએસટી સુધારા થકી ગ્રાહકોને મળેલી કિંમતમાં મળેલો ઘટાડાનો લાભ લગભગ ધોવાઈ જશે. બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી એ એક જાહેરનામું જારી કરી આ નિયમો અમલી બનાવ્યા છે.
અગાઉ ફ્રોસ્ટ ફ્રી રેફ્રિજરેટર, ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર, ડીપ ફ્રીઝર, આરએસી (કેસેટ, ફ્લોર સ્ટેન્ડિંગ ટાવર, સીલિંગ, કોર્નર એસી), કલર ટીવી અને અલ્ટ્રા-હાઇ ડેફિનેશન ટીવી જેવી પ્રોડક્ટ્સ પર સ્ટાર લેબલિંગ સ્વૈચ્છિક હતું.સ્ટાર લેબલિંગ માટે ફરજિયાત ઉપકરણોની યાદી સમયાંતરે અપડેટ કરવામાં આવે છે.
આ ઉપકરણો માટેના નિયમનો મુસદ્દો જુલાઈ ૨૦૨૫માં જાહેર કરાયો હતો.૧ જાન્યુઆરી, ૨૦૨૬ પછી ૨૦૨૫નું ૫ સ્ટાર રેટિંગ ધરાવતી પ્રોડક્ટનું રેટિંગ ઘટીને ૪ સ્ટાર થશે. તેવી જ રીતે ૪ સ્ટાર રેટિંગ ઘટીને ૩ સ્ટાર અને ૩ સ્ટાર ઘટીને ૨ સ્ટાર થશે.SS1MS
