અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ફોટા, ચૂંદડી સાથેના પ્રસાદની કિટ લોન્ચ કરાઈ
પાલનપુર, શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ખાતે ભક્તો દૂરદૂરથી દર્શન કરવા આવે છે અને દર્શન કરીને પ્રસાદ લઈ જાય છે.
ઘણા ભક્તો ઘરે બેઠાં પ્રસાદ મંગાવવા માંગતા હોય તેના માટે ટ્રસ્ટ દ્વારા હવે અંબાજી પ્રસાદમ કિટ લોન્ચ કરાઈ છે. ૨૦૨૬થી અંબાજી પ્રસાદમ કિટ ભક્તો ઘરે બેઠા ઓનલાઇન મંગાવી શકશે.અગાઉ અંબાજી મંદિરનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન ઓર્ડર ઉપર મળી જતો હતો. પરંતુ માતાજીના ફોટા, ચૂંદડી સાથેની કિટની માંગને લઈ પ્રસાદમ કિટ લોન્ચ કરાઈ છે.
અંબાજી મંદિરે ઓનલાઇન પ્રસાદ માટે પોસ્ટ વિભાગ સાથે એમ.ઓ.યુ. કર્યા છે. માઈ ભક્તોની માંગણીને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર પ્રસાદની ૩૧ ડિસેમ્બરના રોજ આ કિટ લોન્ચ કરાઈ છે. આ કિટ માત્ર ઓનલાઈન ઓર્ડર ઉપર ભક્તોને ઘરેબેઠા મળશે.
કિટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચૂંદડી, રક્ષા પોટલી અને માતાજીનો થ્રીડી ફોટો હશે.અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, ઘણા ભક્તોની એક ડિમાન્ડ હતી કે, અમને માતાજીની કિટ મળે એટલે અમે આ કિટ સુંદર પેકિંગમાં પેક કરી છે અને ૨૦૨૬થી ભક્તો અંબાજી મંદિરના પોર્ટલ પરથી ઓનલાઈન બૂક કરાવી શકશે અને તેમને ૪૮ કલાકમાં તેમના ઘર સુધી આ કિટ મળી જશે.SS1MS
