ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ ૨૦૨૬ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી
Ø રાજ્યવ્યાપી ‘સૂર્ય નમસ્કાર અભિયાન‘માં ગુજરાતના યુવાધને બતાવી ભારતીય સંસ્કૃતિની શક્તિ
Ø નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલસિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ ૨૦૨૬ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
૧લી જાન્યુઆરી ૨૦૨૬ના પ્રથમ સૂર્યોદયને વધાવવા માટે ગુજરાત તેમજ સમગ્ર દેશ અને વિદેશના એક લાખથી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણને તિલાંજલિ આપી, યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષનો મંગલ પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલસિંહ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નવા વર્ષની ઉજવણી મોડી રાત સુધીની પાર્ટીઓમાં કરવાને બદલે વહેલી સવારે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સાથે કરવી જોઈએ. આ તંદુરસ્ત શરૂઆત યુવાનોની પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બનશે. આ પ્રકારના કાર્યક્રમાં મોટી સંખ્યામાં યુવાધન જોડાય એ સાબિતી છે કે, ગુજરાતની નવી પેઢી હવે સ્વાસ્થ્ય અને સંસ્કાર પ્રત્યે વધુ સજાગ બની રહી છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યુ ટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમના લાઇવ પ્રસારણમાં એક લાખથી વધુ નાગરીકોએ પોતાના ઘરે, અગાશી કે નજીકના બગીચાઓમાંથી ઓનલાઈન જોડાઈને સૂર્ય નમસ્કાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૂર્ય નમસ્કારના ઇતિહાસ, હનુમાનજીની સૂર્ય સાધના અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સત્રના અંતે સામૂહિક ધ્યાન દ્વારા શાંતિ અને એકાગ્રતાનો અનુભવ કરવામાં આવ્યો હતો.
આ ઐતિહાસિક અભિયાનમાં જોડાયેલા તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષશ્રીએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને નાગરિકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં ‘મેદસ્વિતા મુક્ત‘ અને ‘રોગ મુક્ત‘ ભવિષ્ય વિકસાવવા માટે એક મજબૂત પાયો નાખવામાં આવ્યો છે.
