રશિયાને અમદાવાદ-રાજકોટ હાઇસ્પીડ રેલવેમાં રસ પડ્યો
ગાંધીનગરઃ રશિયન સરકારના સાહસ રશિયન રેલવેઝ RZD ઇન્ટરનેશનલને રાજકોટ-અમદાવાદ સેમી હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટમાં રસ પડ્યો છે. પ્રોજેક્ટની ડિઝાઇન અને ડિટેઇલ્ડ રીપોર્ટ તૈયાર થયા બાદ બે વર્ષમાં આ રેલ કાર્યાન્વિત થઇ જશે તેવી ખાતરી રશિયન રેલવેઝે ગુજરાત સરકારને આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કોન્સ્યૂલ જનરલ ઓફ રશિયન ફેડરેશન ઇન મુંબઇ અલ્કેસી સુરોવત્સેવ અને રશિયન રેલવેઝના વાલ્દીમીર ફિનોવે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. શુક્રવારે સરકારી સ્પેશિયલ પર્પઝ વેહિકલ જી-રાઇડ અને રશિયન રેલવેઝની બેઠકમાં આગળની કાર્યવાહી માટે વિચારણા કરાશે. આ પ્રોજેક્ટના ડીપીઆર ગુજરાત સરકારની જી-રાઇડ કંપની તૈયાર કરે તે પછી ડિટેઇલ્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, પ્રોજેક્ટ એક્ઝિક્યુશન અને સંપૂર્ણ ફાઇનાન્સ માટે પણ રશિયાનું આ રેલવે સાહસ આગળ વધશે. ગુજરાત સરકાર ભારતીય રેલવે અને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીને તેમાં આગળ વધશે.