મેચ ફિક્સર ચાવલાને લંડનથી ભારત લવાયો
નવી દિલ્હી, મેચ ફિક્સિંગના આરોપી અને સટોડિયા સંજીવ ચાવલાના પ્રત્યાર્પણ બાદ ક્રિકેટ જગતમાં હલચલ છે. દિલ્હી પોલીસ ચાવલાને લઈને આજે લંડનથી ભારત પહોંચી છે. ચાવાલની દિલ્હી પોલીસે પૂર્વ સાઉથ આફ્રિકન કેપ્ટન હેન્સી ક્રોનિયા સાથે સંકળાયેલા મેચ ફિક્સિંગના મામલામાં તપાસ કરી રહી છે. પોલીસની ચાર્જશીટ પ્રમાણે આ મામલામાં ફરાર બ્રિટિશ નાગરિક ચાવલા ભારતીય ક્રિકેટરો સહિત બીજા આંતરરાષ્ટ્રિય ક્રિકેટરો સાથે જોડાયેલો હતો. ક્રાઈમ બ્રાન્ચના કહેવા પ્રમાણે ચાવલાના લંડન સ્થિત મકાનમાં સંખ્યાબંધ ભારતીય ક્રિકેટરોની અવર જવર રહેતી હતી. ચાવલાના ફોન રેકોર્ડમાં એ ક્રિકેટરોના નંબર પણ મળ્યા છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ક્રિકેટ સિરિઝ ચાવલાએ ફિક્સ કરી હોવાનો ખુલાસો થયો હતો. જે તે સમયે આ ખુલાસો થયા બાદ ચાવલા લંડન ભાગી ગયો હતો. જેના કારણે પોલીસ તેની પૂછપરછ કરી શકી નહોતી. ક્રાઈમ બ્રાન્ચે બ્રિટિશ પોલીસના સ્કોટલેન્ડ યાર્ડ પાસેથી પણ કેટલાક દસ્તાવેજો એકઠા કર્યા છે. કારણકે સ્કોટલેન્ડ યાર્ડે ચાવલાને 2001માં ઈંગ્લેન્ડમાં એક સટ્ટાકાંડમાં પકડ્યો હતો. ચાવલાએ ઈંગ્લેન્ડના તે સમયના કેપ્ટન એલેક સ્ટુઅર્ટને ખરાબ બેટિંગ કરવા માટે પૈસા આપવાની ઓફર કરી હોવાનો ધડાકો ટીમના અન્ય એક સભ્ય ક્રિસ લુઈસે કર્યો હતો.
આ તપાસ દરમિયાન બહાર આવ્યુ હતુ કે, ભારત જ નહી પણ પાક, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાના બીજા ખેલાડીઓ પણ ચાવલાના સંપર્કમાં હતા. ચાવલાના દુબઈ સ્થિત સટોડિયાઓની એક સિન્ડિકેટ સાથે પણ તાર જોડાયેલા હોવાનુ બહાર આવ્યુ હતુ. આમ પોલીસ તેના અન્ડરવર્લ્ડ સાથેના સબંધો અંગે પણ પૂછપરછ કરશે. ચાવલાની પૂછપરછમાં સંખ્યાબંધ ભારતીય ક્રિકેટરોના નામનો ખુલાસો થાય તેવી શક્યતા છે.