કોરડામાં મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો
AI Image
રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાનનું પ્રમાણપત્ર રજૂ કર્યું: દરરોજ ૧૦થી વધુ દર્દીઓની તપાસ કરવામાં આવતી હતી
પાટણ, સાંતલપુર તાલુકાના કોરડા ગામે માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટરને પાટણ એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડયો છે.
પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી પાસેથી એલોપેથીક દવાઓ, ઈન્જેકશનો અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ.રપ,૧૧૪નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા
તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે કોરડા ગામના બસ સ્ટેશન નજીક પશુ દવાખાના સામે આવેલી દુકાનમાં જગદીશપુરી નરસંગપુરી ગૌસ્વામી નામનો શખ્સ ડોકટર તરીકેની ઓળખ આપી મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી જુદી-જુદી એલોપેથીક દવાઓ, ઈન્જેકશનો, બીપી માપવાનું મશીન અને સ્ટેથોસ્કોપ મળી આવ્યા હતા. પોલીસે આરોપી જગદીશપુરી ગોસ્વામી પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી કે લાયસન્સની માંગણી કરતા તેણે રાષ્ટ્રીય મુકત વિદ્યાલય શિક્ષા સંસ્થાનનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.
આ પ્રમાણપત્રની ખાતરી કરવા બોરુડા પીએચસીના મેડિકલ ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસરની તપાસમાં સ્પષ્ટ થયું કે આરોપી પાસેના પ્રમાણપત્રના આધારે તે એલોપેથીક દવાઓથી લોકોની સારવાર કરી શકે નહી.
તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતે ડોકટર ન હોવા છતાં દરરોજના આશરે ૧૦ થી ૧ર દર્દીઓને તપાસી તેમને દવાઓ અને ઈન્જેકશનો આપી લોકોના જીવ જોખમમાં મૂકતો હતો. પોલીસે સ્થળ પરથી પેન્ટોવોક ઈન્જેકશન, સીરપ, ટેબ્લેટસ અને અન્ય તબીબી સાધનો મળી કુલ પ૧ વસ્તુઓ જપ્ત કરી છે .
આ મામલે વારાહી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એકટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર યોગેશકુમાર નાગજીભાઈ પટેલને સોંપવામાં આવી છે.
