Western Times News

Gujarati News

માટી ચોરીનું કૌભાંડ ઝડપાયુંઃ અંદાજિત ૩ કરોડનો મુદ્દામાલ જપ્તઃ ૧૦ લાખનો દંડ

પ્રતિકાત્મક

ભરૂચ પ્રાંત અધિકારી, વાગરા મામલતદાર અને ભૂસ્તર વિભાગની ટીમે અલાદર પાસે માટી ચોરીનું કૌભાંડ ઝડપ્યું -અંદાજિત ૩ કરોડનો મુદ્દામાલ જપ્તઃ ૧૦ લાખથી વધુનો દંડ સ્થળ પર જ વસૂલાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જીલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે અને ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઈઝ ચેકીંગ,ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં ગેરકાયદેસર માટી ચોરી સામે જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. ભરૂચ પ્રાંત અધિકારી અને વાગરા મામલતદાર તેમની ટીમ દ્વારા મુલેરથી દહેજ જવાના રસ્તા પર અલાદર ગામ પાસે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ખેતરમા સાદી માટી ખોદીને તેનું ગેરકાયદેસર રીતે વહન કરી તેનો વાણિજ્યિક ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી.સાથો સાથ ઓએનજીસીની પાઈપ લાઈનમાં પણ નુકશાન થયાનું ધ્યાને આવ્યું હતું.આથી ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી અને વાગરા મામલતદાર મીના પટેલ તેમજ ભૂસ્તર વિભાગની સયુંક્ત ટીમ દ્વારા સ્થળ પરની ઓચિંતી તપાસ દરમ્યાન પરવાનગી કરતા વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન,ખોદકામ કરતા ૬ ટ્રક અને ૨ હેવી મશીનરી સહિત કુલ રૂપિયા ૨.૮૦ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ નિયમો હેઠળ તેમજ પર્યાવરણ સંબંધિત નુકશાન સામે આ તમામ વાહનો જપ્ત કરી તેના માલિકો અને ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવ્યા છે. કાયદેસરની કાર્યવાહી કરતાં સ્થળ પર જ વહીવટી તંત્રએ અંદાજિત ૧૦ લાખની વધુનો દંડ ફટકારીને વસૂલવામાં આવ્યો છે.

વધુમાં સર્વે નંબરમાં પરમિશન કરતા ઘણું જ વધારે ખોદકામ કરવામાં આવતાં ખાણ અને ખનિજ વિભાગ આ સર્વે નંબરમાં ગેરકાયદેસર ખોદકામ અંગે સર્વેની કામગીરી હાથ ધરશે અને જેટલી પણ વધારે માટીનું ખોદકામ થયું છે એની માપણી કરીને પણ મસમોટો દંડની વસૂલાત કરાશે. હાલમાં આ તમામ વાહનોનો કબ્જો વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.