ભરૂચના નાઈટ શેલ્ટર હોમમાં આશરો લેનાર અસ્થિર મગજના યુવકને પરિવાર મળ્યો
(પ્રતિનિધિ)ભરૂચ, ડિસેમ્બર માસમાં અંકલેશ્વર પોલીસ દ્વારા માનસિક રીતે અસ્થિર યુવકને ભરૂચના નાઈટ શેલ્ટર હોમમાં આશ્રય માટે લાવવામાં આવ્યો હતો.જેની સારવાર અને સાર સંભાળ કરી પુનઃ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
ભરૂચ નગરપાલિકા અને સેવાયજ્ઞ સમિતિ સંચાલિત નાઈટ શેલ્ટર હોમમાં ડિસેમ્બર માસમાં અંકલેશ્વર પોલીસ દ્વારા માનસિક રીતે અસ્થિર યુવક આશ્રય માટે લાવવામાં આવ્યો હતો.સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખ દ્વારા તેમની સારવાર ડૉ.સુનિલ શ્રોત્રીય પાસે શરૂ કરવામાં આવી હતી.થોડા દિવસોની સારવારમાં યુવકે પોતાનું નામ ભુવનેશ્વર મહતો ઉંમર ૪૫ વર્ષ ગિરિડીહ જીલ્લો ઝારખંડ હોવાનું જણાવ્યું હતું.
જેથી પરિવાર સાથે સંપર્ક કરતા તેનો ભત્રીજાના જણાવ્યા અનુસાર તેના કાકાને પત્ની અને બાળકો છે.ડિસેમ્બર મહિનામાં સુરત તરફ કામ માટે ટ્રેનમાં જતા સમયે ગુમ થયા હતા અને અગાઉ પણ માનસિક રીતે તકલીફમાં રહ્યા હતા પરંતુ કોઈ સારવાર ન કરવામાં આવી હતી.
જે બાદ સેવાયજ્ઞ સમિતિના પ્રયાસ અને સારવારના કારણે યુવકને તેના પરિવાર સાથે સુખદ મેળાપ કરાવવામાં આવ્યો હતો.આ ઘટના સેવાયજ્ઞ સમિતિની માનવસેવાની ભાવના અને સંવેદનશીલ કામગીરીનું પ્રતિબિંબ છે.
