પોલીસે વાહન અને બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકીંગ કર્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લામાં ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષ ૨૦૨૬ના સ્વાગતને લઈ પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે.ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતુ અને નશો કરીને ફરતા લોકોનું બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું.
વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.ત્યારે ભરૂચ શહેર અને જીલ્લામાં ઠેરઠેર ૩૧ ડિસેમ્બરની પાર્ટીઓના આયોજન કરવામાં આવતાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી.
ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ આર.એમ.વસાવાની હાજરીમાં પાંચબત્તી સર્કલ,શક્તિનાથ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું.જ્યારે સી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ વી.એ.ડોડીયાની દેખરેખ હેઠળ કસક સર્કલ, ઝાડેશ્વર ચોકડી અને એબીસી સર્કલ સહિતના વિસ્તારોમાં વાહનચાલકોની ચેકિંગ કરવામાં આવી હતી.
બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.એસ. વણઝારા દ્વારા વિસ્તારમાં દહેજ જંબુસર બાયપાસ ચોકડી અને મહંમદપુરા વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરાયું હતું.જેમાં વાહન ચાલકોને બ્રેથ મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ૩૧ ડિસેમ્બરના રોજ શહેર અને જિલ્લામાં આવતા ફાર્મહાઉસો તથા હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી આવ્યું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક નજર રાખવામાં આવી રહી હતી.
