રાજ્યમાં ૫ સેટેલાઇટ ટાઉનના માસ્ટર પ્લાન બનાવવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રણ
નાના શહેરોના સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝન તરફ હરણફાળ
૨૦૩૦ સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે
Ahmedabad, વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટિયર-૨ અને ટિયર-૩ શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર ૨૦૨૫માં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે હવે શહેરોના માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેના માટે ટેન્ડર દ્વારા અર્બન પ્લાનર્સની નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આ શહેરોમાં મહાનગરો જેવી સુવિધાઓ વિકસિત કરીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આયોજન છે, જેથી મોટા શહેરો પરથી ભારણ ઘટાડી શકાય.
શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫માં ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો મંત્ર સાકાર કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આમંત્રિત કર્યા છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેઓ એક વર્ષની અંદર શહેરો માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને રજૂ કરશે.
શું છે સેટેલાઇટ ટાઉન?
સેટેલાઇટ ટાઉન એટલે મોટા શહેર અથવા મહાનગરની નજીક સ્થિત એવું શહેર જ્યાં મોટા શહેરથી એક કલાકમાં પહોંચી શકાય છે. આવા શહેરોની ઓળખ કરીને તેમને આર્થિક રીતે ધમધમતા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર ભારણ ઘટે અને આ શહેરોમાં રોજગારીની નવી તકો ખુલે. આ શહેરોમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.
ગુજરાતના પાંચ સેટેલાઇટ ટાઉન
રાજ્ય સરકારે શરૂઆતના તબક્કામાં અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ શહેરોમાં માસ્ટર ટાઉન પ્લાનિંગ સાથે પરિવહન, ઉદ્યોગો, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.
સેટેલાઇટ ટાઉનમાં વિકસિત થનારી સુવિધાઓ
સેટેલાઇટ ટાઉનમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવ્યવસ્થિત જાહેર પરિવહન સુવિધા (ઇલેક્ટ્રિક બસ સુવિધા સાથે), પાણી પુરવઠો અને વેસ્ટ મેનેજમેન્ટ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિંગ રોડ, અર્બન ફોરેસ્ટ પાર્ક, સુંદર તળાવ, મોડેલ ફાયર સ્ટેશન અને મિક્સ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ઓફિસ, ઘર, દુકાનો બધુ નજીકમાં)નું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધાઓની કામગીરીને ઝડપથી અમલી બનાવવા માટે મંજૂરી તેમજ દેખરેખ સમિતિની રચના કરવામાં આવી છે.
અર્બન એરિયા એ દેશનું ગ્રોથ સેન્ટર છેઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
શહેરી વિકાસના વિઝનને રજૂ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, _અર્બન એરિયા એ દેશનું ગ્રોથ સેન્ટર છે, ત્યારે વિકસિત ભારતના નિર્માણ માટે શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવા જોઇએ અને ટાર્ગેટ નક્કી કરીને એ મુજબ નવા ઉત્પાદનો અને ક્વોલીટી વર્ક પર કામ કરીને વિકાસ સાધવો જોઇએ.
આજે દેશમાં બે લાખથી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના સ્ટાર્ટઅપ ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાંથી આવે છે. આ પૈકીના અનેક સ્ટાર્ટઅપ્સનું નેતૃત્વ દીકરીઓ કરી રહી છે. એટલું જ નહિ, આ શહેરોના બાળકો શિક્ષણ ઉપરાંત અન્ય અનેક પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતા છે. તેથી આવા નાના શહેરોમાં વિકાસની અનેક ક્ષમતાઓ રહેલી છે.
