મહુવામાં ફટાકડાના વેપારીની હત્યાના કેસમાં ચાર શખ્સોને આજીવન કેદ
ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવામાં પાંચ વર્ષ પૂર્વે દિવાળીના સમયે ફટાકડાની લારી ધરાવતા યુવાનની હત્યાના કેસમાં કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દાેષ જાહેર કરવામાં આવ્યા છે.
કોર્ટે તમામ દોષિતોને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ કર્યાે છે, જે રકમ વળતર પેટે મૃતકના પરિવારને ચૂકવવામાં આવશે.૧૪ નવેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રિના સમયે મહુવા ગાંધીબાગ પાસે ફટાકડાનો વેપાર કરતા ગોપાલભાઈ દેવજીભાઈ કોડિયા પર છ શખ્સોએ હુમલો કર્યાે હતો. જૂની અદાવત અને બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ ગોપાલભાઈને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ મામલે દીપકભાઈ બારૈયાએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હરેશ ભાલીયા, રસીક ભાલીયા, નયન ડાભી, કૌશિક પરમાર, યાજ્ઞિક પરમાર અને વિપુલ બારૈયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યાે હતો.આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ કમલેશ કેસરીએ રજૂ કરેલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી હતી.
મહુવાના બીજા એડિશનલ સેશન્સ જજ અતુલકુમાર એસ પાટીલે આ કેસમાં ચાર મુખ્ય આરોપીઓને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવ્યા હતા. અદાલતે નોંધ્યું હતું કે તહેવારના સમયે સરાજાહેર કરવામાં આવેલી આ હિંસા સમાજ માટે ગંભીર બાબત છે.
કોર્ટે ચારેય આરોપીઓને આજીવન કેદ ઉપરાંત પચાસ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.અદાલતે આ કેસમાં અન્ય બે આરોપીઓ યાજ્ઞિક નવીનભાઈ પરમાર અને વિપુલ ઉર્ફે કાળુ બાબુભાઈ બારૈયાને પૂરાવાના અભાવે છોડી મૂક્યા હતા. સીઆરપીસીની કલમ ૩૫૭ મુજબ દંડની વસૂલાત બાદ તે રકમ સીધી મૃતકના વારસદારોને સોંપવાનો આદેશ પણ કરાયો છે.SS1MS
