સારી હાલતના રસ્તા તોડી નવા બનાવતી નગરપાલિકા- બોટાદમાં આ તે કેવો વિકાસ ?
પ્રતિકાત્મક
બીજી બાજુ અનેક વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત
બોટાદ, બોટાદ શહેરી વિસ્તારને વધુ સુવિધા યુકત બનાવવા નગરપાલિકા જાણે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું હોય તેમ સારા સીસી રોડ તોડી નવા રોડ રસ્તા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જે મૂળભૂત સુવિધાથી વંચિત છે.
શહેરમાં વિકાસના નામે ચાલી રહેલી કામગીરી સામે હવે જાહેરમાં અસંતોષ વ્યકત થવા લાગ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળે છે. ત્યારે નગરપાલિકા દ્વારા સારા અને મજબૂત સીસી રોડ તોડી ફરીથી નવા રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવતા નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
લોકોનો સ્પષ્ટ પ્રશ્ર છે કે, જયાં પહેલેથી જ સારી ગુણવત્તાના રોડ ઉપલબ્ધ છે ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી ફરીથી રોડ બનાવવાની જરૂર શું છે ? સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે શહેરના ઘણા વોર્ડ અને વસાહતો આજે પણ કાચા રસ્તા, ખાંડાવાળા માર્ગો અને વરસાદમાં કાદવથી ભરાઈ જતા રસ્તાઓની સમસ્યા ભોગવી રહ્યા છે.
શાળાએ જતા બાળકો, દર્દીઓને હોસ્પિટલ લઈ જતા વાહનો અને રોજિંદા કામ માટે નીકળતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં નગરપાલિકા દ્વારા એવા વિસ્તારોમાં રોડની સુવિધા ઉભી કરવાની જગ્યાએ જયાં પહેલેથી સીસી રોડ છે, ત્યાં જ તેને તોડી ફરીથી બનાવવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને પટેલ પાર્ક પાસે, તિલકનગર તેમજ બોટાદના અન્ય અનેક શહેરી વિસ્તારોમાં સારી હાલતમાં રહેલા રોડ તોડી નાખવામા ંઆવ્યા છે. આ કામને લઈ સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આ વિકાસ છે કે પછી જાહેર નાણાંનો દુરૂપયોગ ? નાગરિકોનું માનવું છે કે નગરપાલિકા દ્વારા કોઈ સ્પષ્ટ આયોજન વિના માત્ર બજેટ વાપરવા માટે આવા કામ કરવામાં આવી રહ્યા છે.
શહેરના બુદ્ધિજીવીઓ અને સામાજિક કાર્યકરો પણ આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે વિકાસનો અર્થ માત્ર દેખાડો નથી, પરંતુ જયાં જરૂર છે ત્યાં સુવિધા પહોંચાડવી એ સાચો વિકાસ છે, જે વિસ્તારોમાં આજે પણ રોડ નથી, ત્યાં રોડ બનાવવામા ંઆવે તો શહેરનો સર્વાંગી વિકાસ શકય બને. પરંતુ સારા રોડ તોડી નવા રોડ બનાવવાથી ન તો ટ્રાફિકની સમસ્યા હલ થાય છે, ન તો નાગરિકોની મુશ્કેલી ઘટે છે.
