અમદાવાદના લોકોને નવા વર્ષમાં ટ્રાફિક, પ્રદુષણ, પાર્કિગ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળશેઃ કમિશનર
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને ર૦ર૬ના વર્ષમાં ટુરીઝમ ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમજ ટ્રાફિક, પ્રદુષણ, પા‹કગ જેવી સમસ્યાઓના ઝડપી નિકાલ માટે કમિશનરના અધ્યક્ષસ્થાને મળતી રીવ્યુ બેઠકમાં ચર્ચા થઈ હતી.
શહેરીજનોને નવા વર્ષમાં ટ્રાફિક, પ્રદુષણ, પાર્કિગ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે રીવ્યુ બેઠકમાં સઘન ચર્ચા થઈ હતી. કમિશનરે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે નગરજનોને ટ્રાફિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે વહેલામાં વહેલી તકે લેફટ કી ખુલ્લી કરવી જરૂરી છે. જેના માટે ડીઝાઈન સેલ દ્વારા ડીઝાઈન તૈયાર કરાવી તેનો સમગ્ર શહેરમાં અમલ કરવો પડશે.
ડેપ્યુટી કમિશ્નરોએ રોજ સવારે એક જંકશનની મુલાકાત લે અને લેફટ કી ઓપન બાબતે પણ તાકીદે પગલાં લે તેમ કમિશનરે સુચના આપી હતી. અમદાવાદ શહેરને બ્રીજ અને ડ્રેનેજ વિભાગે ખોદીને બદતર બનાવ્યું છે આ રીતે કામ કરે તે યોગ્ય નથી
કારણ કે આ રોડ નાગરિકોની માલિકીનો છે અને નાગરિકોને અગવડતા પડે તે પોષાય તેમ નથી. સુભાષબ્રિજ બંધ હોવા છતાં શાહીબાગ અંડરપાસ બંધ કરવામાં આવ્યો હોવાથી કમિશનર નારાજ થયા હતા અને જણાવ્યું હતું કે હવે કોઈપણ કામ દિવસોમાં નહીં પણ કલાકોમાં પતે તેવી ગણતરી કરવી જરૂરી છે. રોડ પર પડેલા માલ સામાન અને પાઈપોને વ્યવસ્થિત કરવામાં નહી આવે તો જવાબદાર અધિકારી સામે પગલા લેવામાં આવશે.
અમદાવાદના રિવરફ્રંટને સીટી સેન્ટર બનાવવા તેમજ રિવરફ્રંટની બંને તરફ આકર્ષક દરવાજા બનાવવા માટે વીકલી રીવ્યુ બેઠકમાં કમિશનરે તાકિદ કરી હતી. કમિશનરના મંતવ્ય મુજબ ટુરીઝમ ક્ષેત્રે અમદાવાદ ઘણું જ પાછળ છે. અમદાવાદના પ્રસિદ્ધ હેરીટેઝ વોકના રૂટ પર સાઈનેઝ બોર્ડ તૂટેલા છે. આ ઉપરાંત રોડ પણ અવ્યવસ્થિત છે તે બાબતે પણ ધ્યાન આપવું જરૂરી છે.
શહેરમાં પ્રદુષણ માત્રામાં થઈ રહેલ વધારા મામલે કમિશનરે ચિંતા વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે તમારી બેદરકારીનો ભોગ તમારા બાળકો બનશે. હાલ દિલ્હીની જે સ્થિતિ છે તેવી સ્થિતિનું નિર્માણ અમદાવાદમાં ન થાય તે બાબતે ધ્યાન આપવું તે જરૂરી બન્યું છે.
જે કન્સ્ટ્રકશન સાઈટ પર ગ્રીન નેટ લગાવવામાં ન આવી હોય તે સાઈટ પર કોર્પોરેશન દ્વારા સાઈટ લગાવવામાં આવે અને બિલ્ડર પાસેથી તેનો ખર્ચ વસુલ કરવામાં આવે તેવી તાકીદ પણ તેમણે કરી હતી. આ ઉપરાંત ટ્રાફિક અને પા‹કગ મામલે જે પણ ખર્ચ થાય તેનું વર્ગીકરણ કરી આગામી બજેટમાં મુકવા માટે અધિકારીઓને સુચના આપી હતી.
