Western Times News

Gujarati News

CNGના ભાવમાં થયો ઘટાડો: પણ રીક્ષા-ટેક્સીના ભાડા ઘટશે ?

(એજન્સી)ગાંધીનગર, વર્ષ ૨૦૨૬ની શરૂઆત સીએનજી વાહનચાલકો માટે ખુશખબર લઈને આવી છે. લાંબા સમયથી ભાવવધારાનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગ અને વાહન ચાલકોને મોટી રાહત આપતા અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૧.૨૧નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂ. ૮૧.૧૭ પ્રતિ કિલોગ્રામ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ મળેલી આ રાહતથી વાહનચાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ૨૦૨૫ વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ રહ્યું હતું. વર્ષ ૨૦૨૫ દરમિયાન અદાણી દ્વારા કુલ ચાર વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૫ઃ રૂ. ૧.૫૦નો મોટો વધારો કરવામાં આવ્યા હતો. ત્યારબાદ બે મહિના બાદ માર્ચ ૨૦૨૫ઃ ૫૦ પૈસાનો વધારો અને એપ્રિલ ૨૦૨૫ઃ ૪૦ પૈસાનો વધારો કરવામાં આવતાં વર્ષ ૨૦૨૫ દરમિયાન અંદાજે રૂ. ૩.૪૦ જેટલો ભાવ વધારો થયો હતો.

સતત વધતા જતા મોંઘવારીના દર વચ્ચે સીએનજીના ભાવમાં થયેલો આ ઘટાડો ખાસ કરીને ટેક્સી ચાલકો, રિક્ષા ચાલકો અને રોજબરોજ અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે રાહતરૂપ સાબિત થશે. ૨૦૨૬ની શરૂઆતમાં જ મળેલી આ ભેટને કારણે અન્ય ખર્ચાઓમાં પણ થોડો ફાયદો થવાની આશા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.