Western Times News

Gujarati News

5 બાંગ્લાદેશીઓ જામનગર સુધી પહોંચી ગયાઃ રિફાઇનરીને કારણે સંવેદનશીલ એરીયા

જામનગરના પટેલ કોલોનીમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

(એજન્સી)જામનગર, તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે ભારતભર સહિત ગુજરાતમાં પણ હિન્દુ સમાજમાં ભારેલા અગ્નિ સમાન સ્થિતિ સર્જાઈ છે અને ભારત દેશમાંથી બાંગ્લાદેશી લોકોને બહાર કાઢવાની માંગ ઊઠી છે,

ત્યારે જામનગર શહેરમાં ભાડે રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોને ત્યાં એસઓજી ત્રાટકી બે પુરુષ, ત્રણ મહિલાને ઝડપી પાડ્યા છે. આ લોકો પર ઘૂસણખોરીના આરોપ લાગ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, ત્યારે તેઓ ક્યારે ભારત આવ્યા અને કેવી રીતના તેમને આશરો મળ્યો તે તમામ દિશાઓમાં પોલીસે હાલ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

વિગતવાર વાત કરીએ તો, જામનગર જિલ્લો સરહદી અને લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી તેમજ મોટી ઓઇલ રિફાઇનરી કંપનીઓ આવેલી હોવાથી અત્યંત સંવેદનશીલ ગણાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે ઘૂસણખોરી કરી દેશમાં પ્રવેશ કરી અસામાજિક અને દેશવિરોધી પ્રવૃત્તિઓના બનાવો બન્યા છે.

જેથી સરહદીય જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

આવી જ સૂચનાના ભાગરૂપે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી વસવાટ કરતા અને દેશવિરોધી પ્રવૃત્તિ કરતા ઇસમોને શોધી કાઢવા માટે એસઓજી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત એસઓજી સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.

આ દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે, પટેલ કોલોની, શેરી નંબર-૧૧, સ્વÂસ્તક માર્બલની સામે આવેલા ગુલામમયુદ્દીન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. આ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

જામનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે જામનગરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોમાં બે પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પશ્ચિમ બંગાળના આધાર કાર્ડ પણ મળી આવ્યા છે.

આ બાંગ્લાદેશી નાગરિકો જામનગર શહેરના પોશ ગણાતા પટેલ કોલોની, શેરી નંબર-૧૧માં એક મકાન ભાડે રાખીને રહેતા હતા. પોલીસે પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.