જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન
પ્રતિકાત્મક
(એજન્સી)જયપુર, રાજસ્થાનના જયપુર સ્થિત ચોમુ નગરમાં અતિક્રમણ હટાવવા ગયેલા પોલીસ દળ પર ભીડ દ્વારા કરાયેલા પથરાવની ઘટના બાદ, વહીવટી તંત્ર ફરી એક્શનમાં આવ્યું છે. શુક્રવાર સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં બુલડોઝરની મદદથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
ડિસેમ્બર ૨૦૨૫ના છેલ્લા અઠવાડિયામાં ચોમુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કલંદરી મસ્જિદ પાસે વર્ષોથી પડેલા પથ્થરો અને લોખંડની રેલિંગ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા અનુસાર, આ દબાણોને કારણે સતત ટ્રાફિકજામની સમસ્યા રહેતી હતી.
૨૫ ડિસેમ્બરની રાત્રે મસ્જિદ સમિતિ અને નગર નિગમ વચ્ચે વાતચીત બાદ પથ્થરો હટાવવા પર સહમતી બની હતી. ૨૬ ડિસેમ્બરની સવારે જ્યારે પોલીસે રેલિંગ હટાવવાની કામગીરી શરૂ કરી, ત્યારે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો.
જોતજોતામાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ અને ટોળાએ પોલીસ પર પથરાવ શરૂ કરી દીધો. આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસ છોડ્યો હતો અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સ્થિતિ વધુ ન બગડે તે માટે ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.
પોલીસ પર હુમલો કરનારા ૧૧૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે ૨૪ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. વહીવટી તંત્રએ આ ૨૪ આરોપીઓના ઘર પર નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો.
