ગાંધીનગરમાં લીકેજના તાત્કાલિક સમારકામ અને પાઇપલાઇનની ચકાસણીના આદેશો અપાયા
પ્રતિકાત્મક
શંકાસ્પદ ટાઈફોડના ૧૧૩ કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને સારવાર ગ્રસ્ત દર્દીઓમાંથી ૧૯ ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ અંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવાના આદેશ
ગાંધીનગર, શહેરના સેકટર ૨૪, ૨૮ અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૂષિત પાણીથી બાળકો અને નાગરિકોમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે જે અંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા કલેકટરશ્રી તેમજ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સાથે સતત સંપર્કમાં રહી, ચર્ચા કરી વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવી પ્રવર્તમાન પરિસ્થિતિ સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે.
શ્રી અમિતભાઈ શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે માટેના આદેશ આપ્યા છે તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત દર્દીઓ અને સગાઓ માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા અંગે સૂચના આપી છે. શ્રી શાહે લીકેજના તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદેશ આપ્યા છે.
ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસો અંગે સઘન આરોગ્ય વ્યવસ્થા અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે તે સેક્ટર ૨૪, ૨૬ અને ૨૮ તથા આદીવાડામાં ૭૫ હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે આ શંકાસ્પદ ટાઈફોડના ૧૧૩ કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને સારવાર ગ્રસ્ત દર્દીઓમાંથી ૧૯ ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.
અન્ય ૯૪ દર્દીઓને ગાંધીનગર સિવિલ તેમજ સેક્ટર ૨૪ અને ૨૯ ના UHCમાં સારવાર અપાઈ રહી છે અને આ દર્દીઓની હાલત સ્થિર છે. અસર ગ્રસ્ત વિસ્તારોમાં ૨૪×૭ ઓપીડી શરૂ કરવામાં આવી છે . જે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાય છે તેમના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા અત્યાર સુધીમાં ૨૦,૮૦૦ થી વધુ ઘરોમાં સર્વે કરીને ૯૦ હજારથી વધુ વસ્તીને આવરી લીધી છે
રોગ અટકાયતના પગલાં તરીકે ૩૦૦૦૦ ક્લોરિન ટેબલેટ અને ૨૦,૬૦૦ ORS પેકેટ વિતરણ કરાયા છે.
સરવેક્ષણ ટીમો ઘરે-ઘરે સંપર્ક કરીને જાગૃતિ પત્રિકાઓ વિતરણ કરવા સાથે લોકોને પાણી ઉકાળીને જ પીવાની, બહારના ખોરાક ન ખાવાની તેમ જ હાથ સ્વચ્છ રાખવા સહિતની માહિતી પૂરી પાડે છે
રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરીનેશનની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા પણ તપાસવામાં આવે છે.
મહાનગર પાલિકા તંત્ર દ્વારા સોમવાર સુધીમાં ૨૪*૭ પાણી સપ્લાયના સ્વિચઓવરની કામગીરી હાથ ધરાશે.
આના પરિણામે છેવાડાના ઘરો સુધી ક્લોરિનની યોગ્ય માત્રા વાળું પાણી પહોંચાડી શકાશે
રોગ અસરગ્રસ્ત વિસ્તારોમાં જે bનાના મોટા લીકેજ મળી આવ્યા છે તેનું રીપેરીંગ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પાણીપુરી, રગડા પેટીસ, બરફ ગોળા, શિકંજી સોડા તથા દૂધની બનાવટના પીણાઓના વેચાણની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.
