સુરેન્દ્રનગરઃ ૫% લાંચ લીધાની કબૂલાત બાદ કલેક્ટરના PA-ક્લાર્કની બદલી
પ્રતિકાત્મક
(એજન્સી)સુરેન્દ્રનગર, કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસ અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે પહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની ધરપકડ કરાઈ હતી, ત્યારે હાલ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની પણ હાલ તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
આ મામલે ઈડીની તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે કલેક્ટર કચેરીમાં જમીનની ફાઈલો મંજૂર કરાવવા માટે લાંચનું ચોક્કસ માળખું ગોઠવાયેલું હતું. જે મામલે તપાસ દરમિયાન કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના પીએ જયરાજસિંહ ઝાલાએ કબૂલાત કરી છે કે, તે જમીન કૌભાંડના વહીવટમાં ૫ ટકા લેખે લાંચ લેતો હતો
અને આ લાંચના નાણાંમાંથી અમુક હિસ્સો ક્લાર્ક મયુરસિંહ ગોહિલને પણ આપવામાં આવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. ભ્રષ્ટાચારના આ ખુલાસા બાદ કલેક્ટર તંત્ર દ્વારા આ બંને વિવાદાસ્પદ કર્મચારીઓને મુખ્ય મથકથી દૂર ખસેડી દેવામાં આવ્યા છે. આ મામલે હાલની માહિતી મુજબ પીએ જયરાજસિંહ ઝાલાને સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી હટાવી મૂળી ખાતે બદલી કરી દેવાઈ છે.
જ્યારે ક્લાર્ક મયુરસિંહ ગોહિલને કલેક્ટર કચેરીથી હટાવી ધ્રાંગધ્રા ખાતે બદલી કરી દેવાઈ છે. નોંધનીય છે કે, આ કૌભાંડમાં અગાઉ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે.
આ બંનેની પૂછપરછમાં જ પીએ અને ક્લાર્કના નામ ખુલ્યા હતા. ઈડીની રેડ બાદ હવે જે રીતે પલટવાર થઈ રહ્યો છે, તે જોતા આગામી દિવસોમાં હજુ પણ કેટલાક ‘મોટા માથાઓ’ના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્્યતા છે.
