મ્યુનિ. બગીચા વિભાગે નવો ચીલો પાડ્યોઃ પ્રેઝન્ટેશનના આધારે કોન્ટ્રાકટ અપાશે
શીલજ આરોગ્ય વનના બીલની મુળ ફાઈલ ગાયબ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ બગીચા વિભાગમાં કૌભાંડોની હારમાળા ચાલી રહી છે. મિંયાવાકી પધ્ધતિના ટેન્ડરમાં રૂ.૬૯ કરોડની મંજુરી સામે રૂ.૧૩પ કરોડના કામ કરવામાં આવ્યા છે તેનો વિવાદ હજી શમ્યો નથી ત્યારે જ લેબર અને ટ્રેકટર ટ્રોલીનો વિવાદ શરૂ થયો છે.
જયારે કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમ વખત પ્રેઝન્ટેશનના આધારે ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના પણ બહાર આવી છે. આ ઉપરાંત એક બીલ ફાઈલ ગાયબ થઈ જતા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.
મ્યુનિ. બગીચા વિભાગ દ્વારા શહેરના તમામ બગીચાઓમાં બાળકો માટે રમકડાં મુકવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં અત્યંત ચોંકાવનારી કહી શકાય તેવી શરત રાખવામાં આવી હતી. ટેન્ડરની શરત મુજબ બિડરોએ તેમના રમકડાંનું પ્રેઝન્ટેશન કરવાનું રહેશે. જેના આધારે ૭પમાંથી માર્કસ આપવામાં આવશે. જયારે રપ માર્કસ ટેકનીકલ અને ફાઈનાન્સીયલ બીડના રહેશે.
આમ માનીતા કોન્ટ્રાકટર ટેકનીકલ રીતે કવોલીફાય ન થાય તો તેને પ્રેઝન્ટેશનના મૌખિક માર્ગમાં વધારો કરી કામ આપવાનો કારસો રચવામાં આવ્યો હતો જેમાં જે તે જવાબદાર વ્યક્તિઓ સફળ પણ થયા છે અને કમિશનરે ફાઈલ પર સહી કરી હોવાની વિગતો બહાર આવી છે. હવે આ ફાઈલ રિક્રિએશન કમિટીની મંજુરી માટે રજુ કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શીલજ તળાવ ડેવલપ કરવામાં આવ્યું છે જયાં રૂ.૮ કરોડના ખર્ચથી આરોગ્ય વન તૈયાર કર્યું છે. આરોગ્ય વનના કોન્ટ્રાકટર દ્વારા સબમીટ કરવામાં આવેલ મુળ ફાઈલ બગીચા વિભાગની ઓફિસમાંથી ગાયબ થઈ ગઈ છે. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદ અચાનક મુળ ફાઈલના સ્થાને તેની ડુપ્લીકેટ એટલે કે ઝેરોક્ષ કરેલ ફાઈલ મળી આવતા તમામ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં.
મુળ ફાઈલ કોણે ગાયબ કરી અને તેના સ્થાને ઝેરોક્ષ કરેલી ફાઈલ કોના દ્વારા મુકવામાં આવી તે બાબતે પણ તપાસ ચાલી રહી છે. આમ બગીચા વિભાગના એક પછી એક કૌભાંડો થઈ રહયા છે જેની નોંધ શાસક પક્ષના મોવડી મંડળ દ્વારા પણ લેવામાં આવી છે.
