આઠ વર્ષ બાદ પશ્ચિમ બંગાળની મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું ઓઢવ નારી સંરક્ષણ ગૃહ
માનવ તસ્કરી અને સંતાન ગુમાવવાના આઘાતે માનસિક સંતુલન ગુમાવી બેઠેલી લાચાર મહિલા માટે નારી સંરક્ષણ ગૃહ જીવનમાં ફરી નવી આશાનું કિરણ બન્યું
નારી સંરક્ષણ ગૃહનું લક્ષ્ય માત્ર આશ્રય પૂરું પાડવાનું નથી, પરંતુ સંઘર્ષમાં ફસાયેલા જીવનને ફરી પાટા પર લાવવાનું છે
કહેવાય છે કે, “રામ રાખે તેને કોણ ચાખે”. માનવ તસ્કરી, છેતરપિંડી અને સંતાન ગુમાવવાના આઘાતે માનસિક સંતુલન ગુમાવી બેઠેલી એક લાચાર મહિલા માટે અમદાવાદનું ઓઢવ સ્થિત નારી સંરક્ષણ ગૃહ જીવનમાં ફરી નવી આશાનું કિરણ બની ઊભર્યું છે.
છેલ્લા આઠ વર્ષથી પરિવારથી વિખૂટી પડેલી પશ્ચિમ બંગાળની ૨૯ વર્ષીય યુવતીનું મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત નારી સંરક્ષણ ગૃહના સઘન પ્રયત્નો, સારવાર અને સતત કાઉન્સેલિંગના પરિણામે તેના પિતા અને ભાઈ સાથે ભાવુક પુનઃમિલન શક્ય બન્યું છે.
માનવ તસ્કરીથી શરૂ થયેલી પીડાની દાસ્તાન -આ હૃદયસ્પર્શી ઘટનાની શરૂઆત વર્ષ ૨૦૧૮માં થઈ હતી. પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાની વતની રેહાના (નામ બદલ્યું છે) કૌટુંબિક ઝઘડા બાદ ઘરેથી નીકળી ગઈ હતી. જે મિત્ર પર તેણે વિશ્વાસ મૂક્યો હતો, એ જ મિત્ર અને તેના ભાઈએ રેહાનાને માનવ તસ્કરીનો ભોગ બનાવી દીધો. આસનસોલથી ટ્રેન મારફતે તેને ગુજરાતના ભૂજમાં રૂપિયા બે લાખમાં વેચી દેવામાં આવી. ત્યાં તેના લગ્ન એક સ્થાનિક યુવક સાથે કરાવવામાં આવ્યા અને તેનું નામ બદલીને ‘પૂજા’ રાખવામાં આવ્યું.

નવા સંસારમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ હૃદયની ગંભીર બીમારીના કારણે તેના માસૂમ બાળકનું પણ અવસાન થયું. આ અસહ્ય આઘાતથી પૂજાનું માનસિક સંતુલન બગડી ગયું. ફરી એકવાર છેતરપિંડીનો ભોગ બનેલી અને માનસિક રીતે અસ્થિર બનેલી પૂજાને મહેસાણાના એક શખ્સને વેચી દેવામાં આવી હતી.
જોકે, અદમ્ય હિંમત દાખવી તેણે ત્યાંથી નાસી છૂટીને પોલીસ તથા ૧૮૧ અભયમની મદદથી મહેસાણા ‘વન સ્ટોપ સેન્ટર’માં આશ્રય લીધો. જુલાઈ ૨૦૨૧માં લાંબાગાળાના આશ્રય માટે તેને અમદાવાદના ઓઢવ સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવી. પ્રવેશ સમયે તેની માનસિક સ્થિતિ અત્યંત દયનીય હતી. તે અવારનવાર તોફાન કરતી અને અન્ય બહેનો સાથે ઝઘડતી. સંસ્થાની વ્યવસ્થાથી તેને શાહીબાગ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર અપાવવામાં આવી.
પ્રેમ, સારવાર અને વિશ્વાસથી જીવનમાં સુધારો -નારી સંરક્ષણ ગૃહના સ્ટાફ અને કાઉન્સેલરોના પ્રેમાળ વર્તન, હૂંફ અને સતત સારવારથી ધીમે ધીમે પૂજાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો. કાઉન્સેલિંગ દરમિયાન તેણે પોતાના ભૂતકાળની કડીઓ જોડતાં પશ્ચિમ બંગાળમાં રહેતા તેના પિતાનો સંપર્ક નંબર આપ્યો.
શરૂઆતમાં સામાજિક ડર અને લાંબા સમયના વિયોગને કારણે પરિવારે પૂજાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ નારી સંરક્ષણ ગૃહની ટીમે હાર માની નહીં. સતત સમજાવટ, વિડિયો કોલ અને સંવેદનશીલ સંવાદના પરિણામે પિતા અને ભાઈનું હૃદય પીગળી ગયું.
આઠ વર્ષ બાદ પરિવાર સાથે ભાવુક મિલન -ગત નવેમ્બરમાં પિતા અને ભાઈ પશ્ચિમ બંગાળથી છેક અમદાવાદ આવી પોતાની દીકરીને મળ્યા. આઠ વર્ષ બાદ ભાઈએ બહેનને જોઈ ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું. નારી સંરક્ષણ ગૃહના સુપરિન્ટેન્ડેન્ટ અને સ્ટાફની ઉપસ્થિતિમાં પૂજાને સન્માનપૂર્વક તેના પરિવારને સોંપવામાં આવી.
માનવતાનો વિજય- ઓઢવ નારી સંરક્ષણ ગૃહનું લક્ષ્ય માત્ર આશ્રય પૂરું પાડવાનું નથી, પરંતુ સંઘર્ષમાં ફસાયેલા જીવનને ફરી પાટા પર લાવવાનું છે. પૂજાનું પુનઃસ્થાપન એ સંસ્થાની ટીમની નિષ્ઠા, મહેનત અને માનવતાનો જીવંત દાખલો છે.
