શ્યામલ ચાર રસ્તા પાસે ફ્લેટના બેઝમેન્ટમાં આગ, સાત વાહનો બળ્યાં
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ શ્યામલ ચાર રસ્તા પાસે આગની એક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા શિલ્પ સિદ્ધિ ફ્લેટના બેઝમેન્ટમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પાર્ક કરેલા અનેક વાહનો લપેટમાં આવી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લેટના બેઝમેન્ટમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ત્યાં પાર્ક કરેલા ૫ થી ૭ જેટલા વાહનો જોતજોતામાં બળીને ખાખ થઈ ગયા હતા. આગને પગલે આસપાસના વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે ફ્લેટમાં રહેતા રહીશોમાં ભારે ફાળ પડી હતી અને લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા.
આગની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ વાહનોને મોટાપાયે નુકસાન થયું છે. બેઝમેન્ટમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આગના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
