ઉત્તરાયણ પૂર્વે ખંભાતના ઉંદેલ ગામે પતંગે માસૂમનો જીવ લીધો
પ્રતિકાત્મક
પતંગ લૂંટવાની ઘેલછામાં કિશોરને વીજ કરંટ લાગતા મોત
(એજન્સી)ખંભાત, ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગામે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. પતંગ લૂંટવાની લ્હાયમાં એક માસૂમ કિશોરે જીવ ગુમાવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પતંગ લૂંટવા દોડતા કિશોરને વીજળીનો જોરદાર ઝટકો લાગતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર, ઉંદેલ ગામની કોઠીયા સીમ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. આકાશમાં કપાતી પતંગોને લૂંટવા માટે માસૂમ કિશોર ઉત્સાહમાં દોડી રહ્યો હતો. પતંગ લૂંટવાની મોજમાં તે એટલો મશગૂલ હતો કે રસ્તામાં આવતા જોખમોનો તેને અંદાજ રહ્યો નહોતો.
પતંગનો પીછો કરતા કરતા તે પશુઓ બાંધવાના એક શેડ પાસે પહોંચ્યો હતો. આ શેડ નીચે ઉતરી ગયેલા જીવંત વીજ તારના સંપર્કમાં આવતા જ કિશોરને વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. ક્ષણવારમાં જ લોહી થીજવી દે તેવી આ દુર્ઘટનામાં કિશોર ત્યાં જ ઢળી પડ્યો હતો.
ઉત્તરાયણનો તહેવાર નજીક હોવાથી ઘરમાં પતંગો અને ફિરકીઓ લાવીને આનંદનું વાતાવરણ હતું. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. વહાલસોયા પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઉંદેલ ગામમાં પણ આ આકસ્મિક દુર્ઘટનાને પગલે માતમ છવાઈ ગયો છે.
ઉત્તરાયણ પૂર્વે બનેલી આ ઘટના વાલીઓ માટે આંખ ઉઘાડનારી છે. પતંગ લૂંટવાની એક નાનકડી ભૂલ અને ક્ષણિક લાલચ કઈ રીતે જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે. ખાસ કરીને ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં નીચા લટકતા વીજ તારો કે ખુલ્લા વાયરો બાળકો માટે જીવનું જોખમ બની રહ્યા છે ત્યારે તંત્ર અને વાલીઓ બંનેએ સતર્ક રહેવાની તાતી જરૂર છે.
