વેનેઝુએલા બાદ 5 દેશો પર અમેરિકાની નજર-સીધી આપી ધમકી
ટૂંક સમયમાં લશ્કરી કાર્યવાહીની આશંકા -ટ્રમ્પ ક્યૂબા સહિતના દેશોને પણ સીધી ધમકી આપી ચુક્યા છે
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી છે, ત્યારબાદ વિશ્વભરમાં સવાલ ઉઠી રહ્યા છે કે, હવે અમેરિકના ટાર્ગેટ પર કયો દેશ છે? રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યવાહી માત્ર વેનેઝુએલા પુરતી જ રહેવાની છે કે પછી તેઓ વધુ દેશોમાં પણ પોતાની શક્તિનો ઉપયોગ કરવાના છે? અમેરિકા અને ઈરાન વચ્ચે બગડેલા સંબંધો જગજાહેર છે.
તાજેતરમાં જ ઈરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા બાદ, ત્યારબાદ અમેરિકાએ ઈરાનને પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ ન કરવાની ધમકી પણ આપી હતી, તેથી આશંકા મુજબ, અમેરિકા વેનેઝુએલા બાદ હવે ઈરાનમાં પણ સૈન્ય કાર્યવાહી કરી શકે છે.
ગાર્ડિયનના અહેવાલ મુજબ, અનેક વિશ્લેષકોએ નિકોલસ માદુરોની ધરપકડને ગેરકાયદે ગણાવ્યો છે, કારણ કે અમેરિકાએ સ્થાનીક કાયદાનું પાલન અથવા આંતરરાષ્ટ્રીય સંધિઓ વગર સૈન્ય બળનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરી છે. એવું કહેવાય છે કે, અમેરિકાએ ડ્રગ્સની દાણચોરી કે ગેરકાયદે પ્રવાસીઓને અટકાવવાના બહાને નહીં પરંતુ પોતાની સૈન્ય શક્તિ દેખાડવા માટે આ કાર્યવાહી કરી છે.
અમેરિકા આવી કાર્યવાહી કરીને એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, તે કોઈપણ દેશમાં ઘૂસીને સૈન્ય અને રાજકીય તખ્તાપલટની કાર્યવાહી કરવાનું ડરતું નથી. આવી સ્થિતિમાં એ ચિંતા કરવી વ્યાજબી છે કે, હવે આગામી ટાર્ગેટ કયો દેશ હોઈ શકે છે?
અમેરિકાના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નીતિના સંકેત મુજબ તેઓ હજુ પણ કેટલાક દેશોને ટાર્ગેટ કરી શકે છે. અમેરિકા એવા દેશોને ટાર્ગેટ કરી શકે છે, જેમને અમેરિકા સાથે મતભેદ હોય કે પછી વિચારણી જુદી હોય. અમેરિકાના આગામી ટાર્ગેટ તરીકે ઈરાનનું નામ ચર્ચાઈ રહ્યું છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, ટ્રમ્પ તંત્ર ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી ચુક્યા છે. એટલું જ નહીં તેમણે ગયા અઠવાડિયે ઈરાન પર નજર રાખવાનો પણ આદેશ આપ્યો હતો.
આવી સ્થિતિમાં આશંકા છે કે, જો અમેરિકાને પોતાની સુરક્ષા અથવા ઊર્જા હિતો પર કોઈ ખતરો લાગે છે તો તેઓ મધ્ય પૂર્વમાં પણ હસ્તક્ષેપ કરવામાં અટકશે નહીં.
અમેરિકાને ઈરાન ઉપરાંત ક્યૂબાથી પણ વાંધો છે. ક્યૂબા વારંવાર આક્ષેપ કરતું રહ્યું છે કે, અમેરિકા તેમના દેશની સરકારને બળજબરીથી બદલવાની ઈચ્છા રાખે છે. ટ્રમ્પના ટાર્ગેટ પર ક્યૂબા છે, કારણ કે ક્યૂબાએ હંમેશા વેનેઝુએલાનું સમર્થન કરતું રહ્યું છે અને ઊર્જા તેમજ સૈન્ય મદદ પણ કરી રહ્યું છે.
ક્યૂબાની જેમ કોલંબિયા પર પણ અમેરિકાની નજર હોવાનું કહેવાય છે. આશંકા મુજબ ટ્રમ્પ તંત્ર કોલંબિયામાં પણ સૈન્ય કાર્યવાહી કરી શકે છે. કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ સહિત દક્ષિણ અમેરિકાના અનેક દેશો કહે છે કે, અમેરિકાનો વેનેઝુએલા પર હુમલો ક્ષેત્રીય સ્થિરતાને ખતરામાં નાખી શકે છે અને તેમની કાર્યવાહીથી પડોશી દેશોની સંપ્રભુતા સામે પડકારો ઉભા થઈ શકે છે.
આ દેશોનું માનવું છે કે, જો અમેરિકાના ટાર્ગેટ પર માત્ર માદુરો હતા, તો તેઓ સૈન્ય કાર્યવાહી વગર પણ અન્ય રીતે અપનાવી શકતું હતું. લેટિન અમેરિકાના દેશ કોલંબિયાએ જ્યારે માદુરો મામલે ટ્રમ્પનો વિરોધ કર્યો, તો ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખને ચોખ્ખું કહી દીધું કે, તમે પહેલા પોતાને જુઓ, પછી બીજાનું વિચારો. અમેરિકાની વિદેશ નીતિ હેઠળના ટાર્ગેટમાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ પણ સામેલ છે.
ડેનમાર્ક સંરક્ષણ ગુપ્તચર એજન્સીઓના તાજેતરનાં રિપોર્ટમાં કહેવાયું હતું કે, તેઓ અમેરિકાને સંભવિત ખતરો માને છે. અમેરિકાના પોતાના જૂના, ભાગીદાર અને પ્રતિસ્પર્ધી દેશો પર પોતાની મરજી થોપવા માટે આર્થિક અને ટેકનોલોજી શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. ખાસ કરીને તેમાં ગ્રીનલેન્ડનો સમાવેશ થાય છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહેતા રહ્યા છે કે, તેઓ ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવવા માંગે છે.
આ નિવેદનના કારણે બંને દેશો વચ્ચે વિવાદ પણ ઉભો થયો છે. આ મામલે ડેનમાર્કે સ્પષ્ટ કહ્યું છે કે, ગ્રીનલેન્ડની સંપ્રભુતા અને લોકશાહી અધિકારોનું સન્માન થવું જોઈએ. બહારના કોઈપણ દેશોએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. ઉલ્લેખનિય છે કે, ટ્રમ્પ જ્યારેથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા છે, ત્યારથી અમેરિકન વિદેશ નીતિમાં જબરદસ્ત ફેરફાર થયા છે. અમેરિકા સૈન્યની સાથે સાથે રાજકીય અને આર્થિક દબાણની રણનીતિ પણ અપનાવી રહ્યું છે.
કોલંબિયા વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ, મેક્સિકો પર ટેક્સનું દબાણ અને અન્ય દેશો સાથે વેપાર તણાવ વધારવો સામાન્ય વાત નથી. ટ્રમ્પના આ પગલા સંકેત આપી રહ્યા છે કે, અમેરિકા ઈન્ડિયન પેસેફિક, યુરોપ અને લેટિન અમેરિકા ક્ષેત્રોમાં પોતાની શક્તિ અને પ્રભાર ફરી વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
