કોલંબિયાએ સરહદ પર હથિયારો સાથે સેના તહેનાત કરી
(એજન્સી) કુકુતા, અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા બાદ કોલંબિયા સરકારની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ટ્રમ્પે માદુરોને કસ્ટડીમાં લીધા બાદ કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખને જીવ બચાવવાની ધમકી આપી હતી.
કોલિબંયન સરકાર અને સુરક્ષા નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, માદુરોની ધરપકડના કારણે દેશના અસ્થિરતા સર્જાઈ શકે છે, સરહદ પર તસ્કરી વધી શકે છે, દેશમાં હિંસા વધશે તો અનેક શર્ણાર્થીઓ મોટાપ્રમાણમાં પલાયન થવા મજબૂર થશે, જેના કારણે કોલંબિયા પર દબાણ આવશે.
કોલંબિયાએ અમેરિકા દ્વારા નિકોલસ માદુરોની ધરપકડનો કડક શબ્દોમાં વિરોધ કર્યો છે. અમેરિકાએ વેનેઝુએલામાં સૈન્ય ઠેકાણાઓને ટાર્ગેટ કરીને માદુરોને કસ્ટડીમાં લીધા છે.
આ ઘટના બાદ કોલંબિયાએ તાત્કાલીક ઈમરજન્સી બેઠક બોલાવી છે અને વેનેઝુએલાને અડીને આવેલી ૨૨૧૯ કિલોમીટર લાંબી સરહદને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. આ સરહદ પહેલેથી જ બળવાખોર પ્રવૃત્તિઓ અને કોકેઈન ઉત્પાદન મામલે સંવેદનશીલ માનવામાં આવે છે.
કોલંબિયાના રાષ્ટ્રપ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું કે, અમારી સરકારે વહેલી સવારે ૩.૦૦ કલાકે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ગુસ્તાવોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ‘અમેરિકાએ વેનેઝુએલા અને આખા લેટિન અમેરિકા પર હુમલો કર્યો છે, તેની કોલંબિયન સરકાર નિંદા કરે છે.
અમે અમારી સરહદની સુરક્ષા સુનિશ્ચિ કરવા માટે તમામ રાજ્યોના દળોને તહેનાત કરી રહ્યા છીએ. અમેરિકાની કાર્યવાહી બાદ કોલંબિયાએ પોતાની સેનાઓને એલર્ટ કરી દીધી છે. સરહદ પાર કુકુતા વિસ્તારમાં સૈનિકો અને બખ્તરબંધ વાહનો તહેનાત કરી દીધા છે.
