સુપ્રીમની મંજૂરી છતાં હાઈકોર્ટમાં એક પણ એડ-હોક જજની નિમણૂક ન થઈ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે પડતર ફોજદારી કેસોનો નિકાલ માટે નિવૃત્તિ ન્યાયાધીશોની એડ-હોક જજ તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપ્યાના એક વર્ષ પછી પણ હજુ એકપણ એડ-હોક ન્યાયાધીશની નિમણૂક કરાઈ નથી. આ મુદ્દે હજુ સુધી કોઇ હાઈકોર્ટાેએ રસ દાખવ્યો નથી.
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવાની પ્રક્રિયાથી વાકેફ લોકોના જણાવ્યા મુજબ ૨૫ ઉચ્ચ અદાલતોમાંથી કોઈએ પણ એડ-હોક ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે નામોની ભલામણ કરી નથી.આશરે ૧૮ લાખ પેન્ડિંગ ફોજદારી કેસોથી ચિંતિત સુપ્રીમ કોર્ટે ૩૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ હાઇકોર્ટાેને એડ-હોક જજની નિમણૂકને મંજૂરી આપી હતી. જોકે હાઇકોર્ટના કુલ જજમાંથી ૧૦ ટકાથી વધુ એડ-હોક જજ ન રાખવાની શરત રાખી હતી.
કેન્દ્રીય કાયદા મંત્રાલયને હજુ સુધી કોઈપણ હાઈકોર્ટ કોલેજિયમ તરફથી નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂક માટે કોઈ ભલામણ મળી નથી.બંધારણની કલમ ૨૨૪એ હેઠળ પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા માટે હાઇકોર્ટ નિવૃત્ત ન્યાયાધીશોની એડહોક જજ તરીકે નિમણૂક કરી શકે છે. આ પ્રક્રિયા મુજબ સંબંધિત હાઇકોર્ટ કોલેજિયમ કાયદા મંત્રાલયના ન્યાય વિભાગને હાઇકોર્ટ જજ તરીકે નિમણૂક કરવા ઉમેદવારો કે તેમના નામની ભલામણ કરતી હોય છે.
આ પછી ન્યાય વિભાગ સંબંધિત ઉમેદવારોની અંગે માહિતી મેળવે છે અને આ નામો સુપ્રીમ કોર્ટની કોલેજિયમને મોકલે છે. આ પછી સુપ્રીમ કોર્ટની કોલેજિયમ અંતિમ નિર્ણય કરે છે અને પસંદ થયેલા વ્યક્તિને જજ તરીકે નિયુક્ત કરવા સરકારને ભલામણ કરે છે.
આખરે રાષ્ટ્રપતિ નવા નિયુક્ત ન્યાયાધીશના ‘નિમણૂકના વોરંટ’ પર સહી કરે છે.રાષ્ટ્રપતિના હસ્તાક્ષરને બાદ કરતાં એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક કરવાની પ્રક્રિયા પણ સમાન છે. પરંતુ એડ-હોક ન્યાયાધીશોની નિમણૂક માટે રાષ્ટ્રપતિની સંમતિ જરૂરી છે.SS1MS
