લિવઇન પાર્ટનરની જુદાઈ સહન ન થતાં યુવકનો વીડિયો કોલ પર લાઈવ આપઘાત
મોરબી, મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય યુવકે પોતાની લિવ ઇન પાર્ટનરને વીડિયો કોલ કરી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચયમાં આવેલી મહિલા મૈત્રી કરાર કરીને યુવક સાથે રહેતી હતી, પરંતુ થોડા દિવસો પૂર્વે પિતાના ઘરે ગયેલી મહિલા પરત ન આવતા યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરના લાયન્સનગરમાં રહેતા હિતેશ મનસુખભાઈ ધમાલ નામના ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરમાં જ પંખા સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હિતેશ અને આ મહિલા વચ્ચે ત્રણ મહિના પહેલા સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો જે બાદ તેઓ સાથે રહેતા હતા. હિતેશ સાથે મૈત્રી કરારથી રહેતી મહિલા થોડા સમય પહેલા પોતાના પિતાના ઘરે ગઈ હતી.
વારંવાર કહેવા છતાં તે પરત ન ફરતા હિતેશને મનમાં લાગી આવ્યું હતું.હિતેશે મહિલાને વીડિયો કોલ કર્યાે હતો અને લાઈવ કોલ દરમિયાન જ ગળાફાંસો ખાઈ લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના તપાસનીશ અધિકારી બી કે દેથાએ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
