રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે. એલ. એન રાવે રાજ્યપાલને મળ્યા
રાજ્યપાલ સાથે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી શ્રી ડૉ. કે. એલ. એન. રાવની શુભેચ્છા મુલાકાત
ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી શ્રી ડૉ. કે. એલ. એન રાવે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી. રાજ્યપાલશ્રીએ ડૉ. કે, એલ. એન. રાવનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરી ઈન્ચાર્જ ડીજીપીની જવાબદારી મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડૉ. રાવે પોલીસ વિભાગમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કરવામાં આવી રહેલી પ્રગતિ અંગે વિગતો પુરી પાડી હતી.
તેમણે જણાવ્યું કે, વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ભોગ બનનારને ઝડપથી ન્યાય મળી રહે તે દિશામાં પોલીસ વિભાગ ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહ્યું છે. તેમજ લોકો સાયબર ક્રાઈમ સામે સતર્ક બને તે માટે લોકજાગૃતિ હેઠળ વિવિધ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પોલીસ જ્યારે ગામડામાં લોકોની વચ્ચે જઈ સીધો સંવાદ કરે છે ત્યારે લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ અને આત્મીયતા ઉભી થાય છે. તેમણે પોલીસ દ્વારા વધુને વધુ લોકોની સેવા થાય તેવા પ્રયાસોને સતત પ્રોત્સાહન આપવા સૂચન પણ કર્યુ હતુ.
