PM મોદીએ ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે શું ચર્ચા કરી?
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ બુધવાર (૭ જાન્યુઆરી, ૨૦૨૬) ના ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન બંને નેતાઓ વચ્ચે રણનીતિક ભાગીદારી અને કાઉન્ટર ટેરરિઝ્મ જેવા મુદ્દે ચર્ચા થઈ છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી આ જાણકારી આપી છે.
પીએમ મોદીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી અને ત્યાંની જનતાને નવા વર્ષની શુભેચ્છા આપી છે. આ સાથે બંને નેતાઓએ પ્રાદેશિક સ્થિતિ પર પણ ચર્ચા કરી છે.
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, ‘મારા મિત્ર, પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુ સાથે વાત કરી અને તેમને અને ઇઝરાયલના લોકોને નવા વર્ષની શુભેચ્છા આપી ખુશી થઈ. અમે આવનારા વર્ષમાં ભારત-ઈઝરાયલની રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. અમે ક્ષેત્રની સ્થિતિ પર પણ અમારા વિચાર વ્યક્ત કર્યા અને આતંકવાદ સામે વધુ મજબૂતીથી લડવાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો.’
આ પહેલા બંને દેશોના પ્રધાનમંત્રીએ પાછલા વર્ષે ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના એકબીજા સાથે ફોન પર વાત કરી હતી. પીએમ નેતન્યાહુએ પીએમ મોદીને ફોન કર્યો અને બંને નેતાઓએ ભારત-ઈઝરાયલ રણનીતિક ભાગીદારીમાં સતત પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સિવાય પીએમ મોદી અને નેતન્યાહુએ આપસી હિતો માટે આ સંબંધોને વધુ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આતંકવાદની આલોચના કરી અને આતંકવાદના દરેક સ્વરૂપ અને અભિવ્યક્તિ પ્રત્યે કોઈ પ્રકારની નરમી ન રાખવાની પોતાની નીતિ વ્યક્ત કરી હતી.
તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ક્ષેત્રમાં નિષ્પક્ષ અને સ્થાયી શાંતિના પ્રયાસો, જેમાં ગાઝા શાંતિ યોજનાને તત્કાલ લાગૂ કરવાનું સામેલ છે, તે માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી હતી. બંને નેતાઓએ સતત એકબીજાના સંપર્કમાં રહેવા પર સહમતિ વ્યક્ત કરી હતી.
