યુવતી તાઈવાન ગઈ ચાઈનીઝ ભાષાનો કોર્સ કરી ગુજરાત આવી ભાઈ સાથે સાયબર ફ્રોડમાં સંડોવાઈ
૭૦ લાખના સાયબર ફ્રોડના કેસમાં ભાઈ-બહેનની ધરપકડ
સુરત, ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે પોલીસ પણ સાયબર માફિયાને પકડવા સક્રિય બની છે. જોકે સાયબર માફિયાઓ વિદેશથી હેન્ડલ કરતા હોવાથી તેમને પકડવા મુશ્કેલ છે. પણ પોલીસ દ્વારા સાયબર માફિયાના સ્થાનિક એજન્ટો. તેને મદદ કરનારાને પકડીને નેટવર્ક તોડી રહી છે.
સુરતના એન્જિનિયર સાથે થયેલા રૂ. ૬૯, ૭૯,૮૦૦ ના સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર સેલે આરોપી એવા ભાઈ-બહેનની ધરપકડ કરી છે. હાઈ-પ્રોફાઈલ રેકેટના તાર સીધા કંબોડિયા અને ચીન સાથે જોડાયેલા છે. આ કેસની મુખ્ય આરોપી ૪૦ વર્ષીય શ્રદ્ધાની પ્રોફાઈલ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે.
તાઈવાનમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાઈનીઝ ભાષા પર પ્રભુત્વ મેળવેલી યુવતી કોઈ કોર્પોરેટ લીડર બનવાને બદલે ચીની સાયબર માફિયાઓની ખાસ ‘રિચાર્જ એજન્ટ’ બની ગઈ હતી.
સુરતની સાયબર ક્રાઈમ પોલીસે હૈદરાબાદમાં રહેતી ૪૦ વર્ષિય શ્રદ્ધા નામની યુવતીને ઝડપી લીધી હતી. આ યુવતીનો ચીન અને કંબોડિયાના સાયબર ઠગોએ મોહરા તરીકે ઉપયોગ કર્યો હતો.. ૪૦ વર્ષીય શ્રદ્ધા ગજભીયે જે હૈદરાબાદમાં રહેતી હતી અને ચાઈનીઝ ભાષાની નિષ્ણાત હતી.
તેની ધરપકડ બાદ સાયબર ફ્રોડની દુનિયાના એવા રહસ્યો ખુલ્યા છે જે કોઈ પણ સામાન્ય નાગરિકના હોશ ઉડાવી દે તેવા છે. આ કેસમાં માત્ર શ્રદ્ધા જ નહીં, પરંતુ તેના ફેશન ડિઝાઇનર ભાઈ નીલકાંતની પણ સંડોવણી બહાર આવી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શ્રદ્ધાની શૈક્ષણિક પ્રોફાઇલ કોઈ પણ મોટી કોર્પોરેટ કંપનીને આકર્ષી શકે તેવી છે. ધોરણ ૧૨ પાસ કર્યા બાદ શ્રદ્ધા સીધી તાઈવાન ગઈ હતી, જ્યાં તેણે ચાઈનીઝ ભાષાનો સર્ટિફિકેટ કોર્સ કર્યો હતો. ભારત પરત આવ્યા બાદ તેણે સરગમ એટલે સંગીતમાં બી.એ. (બેચલર ઓફ આર્ટસ) પૂર્ણ કર્યું અને ફરીથી ચાઈનીઝ ભાષામાં ડિપ્લોમા મેળવ્યો.
ચીની ભાષા પરની આ મહારથ જ તેને ચીની ઠગોની નજીક લઈ ગઈ, જેઓ ભારતીય લોકોને લૂંટવા માટે સ્થાનિક ભાષા અને વ્યવસ્થા સમજતા હોય તેવા લોકોની શોધમાં હતા.આ આખી રમત ત્યારે શરૂ થઈ જ્યારે ‘નોકરી ડોટ કોમ’ પરથી શ્રદ્ધાની પ્રોફાઇલ કંબોડિયામાં કાર્યરત એક ચીની કંપની ‘મેક્રો કોમ્પ્યુટિંગ સોલ્યુશન’ સુધી પહોંચી. કંપનીએ શ્રદ્ધાનો સંપર્ક કર્યો અને તેની ભાષાની કસોટી લીધી.
ટેસ્ટમાં પાસ થતા જ કંપનીએ તેને ચાઈનીઝ ટ્રાન્સલેટર તરીકે જોબ ઓફર કરી અને તેના વિઝા તેમજ એર ટિકિટ કરાવી તેને કંબોડિયા બોલાવી લીધી. શ્રદ્ધાને લાગ્યું કે આ એક મોટી તક છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી.
