Western Times News

Gujarati News

હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણી કાયદાની ચુંગાલમાં પહોંચી જતાં અનેક તર્કવિતર્ક

(પ્રતિનિધિ)હિંમતનગર, હિંમતનગર નાગરિક સહકારી બેંકની આગામી તા.૧૧ જાન્યુઆરીએ યોજાનાર ચૂંટણી પૂર્વે હિંમતનગરના નાગરિક બેંકના એક સભાસદે બેંકની ચૂંટણી રીઝર્વ બેંકના નિયમ મુજબ કરવા માટે મહેસાણા નોમીનીઝ કોર્ટમાં દાદ માંગી હતી.

જેની સુનાવણી બુધવારે થતાં ન્યાયાધિશે આ મામલે નાગરિક બેંકના ચૂંટણી અધિકારીને બેંકીંગ રેગ્યુલેશન એકટની કલમ ૧૦એ(ર-એ) મુજબ થયેલ સુધારાનું પાલન કરવા માટે ચુકાદામાં જણાવ્યું છે.

જેના લીધે હિંમતનગરમાં નાગરિક બેંકની ચુંટણી કાયદાની ચુંગાલમાં ફસાઈ હોવાની અનેક વિધ ચર્ચાઓ શરૂ થઈ છે. તો બીજી તરફ નોમીનીઝ કોર્ટમાં દાદ માંગનાર સભાસદ અને ચુંટણીમાં ઉભા રહેલા ઉમેદવારે હાઈકોર્ટમાં કરેલી રીટ અંગે પણ શહેરમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચઢયો છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર નાગરિક બેંકની ચુંટણીના સભાસદ અને ચુંટણીમાં ઉમેદવારી કરનાર મુકેશભાઈ પટેલે બેંકની ચુંટણીમાં ૧૦ વર્ષથી વધુ ડીરેકટર પદે રહેલા ડીરેકટરોને ચુંટણી લડવાનો અધિકાર નથી તે મતલબે થોડાક દિવસ અગાઉ તેમણે મહેસાણા નોમીનીઝ કોર્ટમાં દાદ માંગી હતી. ત્યારબાદ આ મામલે બે મુદ્દતમાં થયેલી સુનાવણી બાદ બુધવારે અંતિમ સુનાવણી થઈ હતી.

જેમાં નોમીનીઝ કોર્ટના સંયુક્ત રજીસ્ટ્રાર અને સભ્ય આર.આર.ઝીંબાએ નાગરિક બેંકના ચૂંટણી અધિકારીને બેંકીંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯ની કલમ ૧૦એ(ર-એ) મુજબ સુધારો થયો છે તે સુધારાનો ચૂંટણી કાર્યક્રમમાં અમલ કરવા માટે હુકમ કર્યો હતો.

તો બીજી તરફ મુકેશભાઈ પટેલે હાઈકોર્ટમાં પણ આ મામલે દાદ માંગી છે તો બીજી તરફ નાગરિક બેંક દ્વારા કેવીયેટ દાખલ કરાઈ હોવાનું સૂત્રોમાંથી જણાવાયું છે ત્યારે હવે હાઈકોર્ટ નાગરિક બેંકની ચુંટણીને લઈને બેંકીંગ એકટનું મૂલ્યાંકન કરી ચુકાદો આપે તેવી શકયતા છે. દરમ્યાન નોમીનીઝ કોર્ટે આપેલા ચુકાદાનું અર્થઘટન કેવી રીતે થઈ શકશે તેના પર ચુંટણીનો મદાર હોવાનું મનાઈ રહયું છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.