આણંદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવમાં બેનાં મોત: ત્રણને ઈજા
આણંદ, આણંદ જિલ્લાના આસોદર-વાસદ રોડ ઉપર રેલવે બ્રિજ પાસે સાળંગપુરથી વડોદરા જતી કારને અકસ્માત થતા કારચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ વ્યક્તિને ઈજા થયાની ફરિયાદ આંકલાવ પોલીસમથકમાં જ્યારે પેટલાદના ખંભાત રોડ ઉપર બાઈકની ટક્કરે ભિક્ષુક વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાની ફરિયાદ પેટલાદ શહેર પોલીસમથકમાં નોંધાઈ છે.
પ્રથમ બનાવમાં ભરૂચ જિલ્લાના ઝાડેશ્વરના પિયુષભાઈ ઈશ્વરભાઈ કપ્તાન હાલ આજવા રોડ વડોદરા ખાતે પોતાના મામા રાજુભાઈ ચંદુભાઈ માછીના ઘરે રહે છે અને ભરૂચના દહેજ ખાતે આવેલ કંપનીમાં નોકરી કરે છે. તેઓની સાથે કંપનીમાં અંકલેશ્વરના જુનાપુન ગામના સૌરવસિંહ અક્ષયસિંહ પરમાર પણ નોકરી કરતા હતા.
પિયુષભાઈના મામાનો દીકરો રાહુલભાઈ ફોટોગ્રાફીનું કામ કરતો હોઈ તેની સાથે તેની મિત્ર વાઘોડીયા ખાતે રહેતી અને મોડેલીંગનું કામ કરતી રૂચીબેન ઉર્ફે રચના દિનેશભાઈ ભટ્ટ સાથે ઓળખાણ થઈ હતી. રૂચીબેન ઉર્ફે રચનાબેનની સગાઈ વાઘોડીયા ખાતે રહેતા રાહુલભાઈ નરેન્દ્રભાઈ લાલવાણી સાથે થઈ હતી. ગત રવિવારે રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં પિયુષભાઈ પોતાની સાથે કંપનીમાં કામ કરતા મિત્ર સૌરવસિંહ, વાઘોડીયાના રાહુલભાઈ લાલવાણી અને રૂચીબેન ઉર્ફે રચનાબેન ભટ્ટ સાથે રાહુલભાઈની નેક્ષોન કાર લઈને વડોદરાથી સાળંગપુર દર્શન કરવા ગયા હતા.
બીજા દિવસે સોમવારે દર્શન કરી સાળંગપુરથી સવારના નવ વાગે પરત વડોદરા આવવા માટે નીકળ્યા હતા અને કાર સૌરવસિંહ ચલાવી રહ્યા હતા, બાજુની સીટમાં પિયુષભાઈ અને પાછળ રાહુલભાઈ અને રૂચીબેન બેઠા હતા. બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં આસોદર-વાસદ રોડ ઉપરથી વાસદ તરફ જતા હતા ત્યારે રેલવે બ્રિજ પાસેના રોડ ઉપર આગળ જતી ટ્રક પાછળ કાર અથડાઈને પલટી ખાઈ જતાં કારચાલક સૌરવસિંહ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા.
જ્યારે પિયુષભાઈ, રાહુલભાઈ અને રૂચીબેનને ઈજા પહોંચી હતી અને સૌરવસિંહને પણ શરીર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચારેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રીની વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન સૌરવસિંહ પરમારનું મોત નિપજ્યુ હતું.
આ બનાવ અંગે પિયુષભાઈ ઈશ્વરભાઈ કપ્તાનની ફરિયાદ લઇ આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બીજા બનાવમાં પેટલાદ શહેરમાં રહેતા પ્રવીણભાઈ પ્રભુભાઈ પટેલ પોતાના પત્ની પુષ્પાબેન સાથે રહે છે અને બંને પતિ, પત્ની ભિક્ષુક તરીકે ભિક્ષા માંગીને જીવન ગુજરાન ચલાવતા હતા.ગત ૩૧ તારીખે સવારના સાડા અગિયાર વાગ્યે પ્રવીણભાઈ પેટલાદ સાંઈનાથ મંદિર આગળ બેઠા હતા.
તેમના પત્ની પુષ્પાબેન પેટલાદના ખંભાત રોડ તન્મય પાર્ટી પ્લોટ પાસે ભિક્ષા માંગતા સમયે રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ વખતે બાઈક ના ચાલકે પુષ્પાબેનને ટક્કર મારતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પુષ્પાબેનને તાત્કાલિક સારવાર માટે પેટલાદના સરકારી દવાખાનામાં અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ગોત્રી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મંગળવારે પુષ્પાબેનનું મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે પ્રવીણભાઈ પ્રભુભાઈ પટેલની ફરિયાદ લઈ પેટલાદ શહેર પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
