અમદાવાદના બે શખ્સો હિંમતનગરના નવા રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા
નરોડા વિસ્તારના રહેવાસી બંને અમદાવાદ પાસીંગની ઈકો ગાડીમાં જઈ રહ્યા હતા -એલસીબીએ રૂ.ર.૬ર લાખનો મુદ્દામાલ કબજે લીધો
(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખેડ તસીયા રોડથી નવા જતાં રોડ પર આવેલ જૂની નગરપાલિકા કચેરી આગળથી બુધવારે એલસીબીએ બાતમીને આધારે એક શંકાસ્પદ ઈકોને ઝડપી લઈ
તેમાં તલાશી કરતાં અંદાજે રૂ. ૬ર હજારની કિંમતની વિદેશી દારૂની ર૩પ બોટલ મળી આવતાં એલસીબીએ આ બંનેની અટકાયત કરી પાસ પરમીટ વિનાના દારૂના જથ્થા અને કાર મળી અંદાજે રૂ. ર.૬ર લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવાયો હતો.
આ અંગે એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા તથા સ્ટાફના જણાવાયા મુજબ બુધવારે સવારે તેમનો સ્ટાફ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે ખેડ તસીયા રોડ બાજુથી એક ઈકોમાં પાસ પરમીટ વિના દારૂનો જથ્થો ભરી બે શખ્સો હિંમતનગર થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા છે. જે આધારે એલસીબીએ જુની નગરપાલિકા કચેરી પાસે વાહનચેકિંગ શરૂ કર્યું હતુ.
દરમ્યાન નવા તરફથી આવી રહેલ ઈકો નં. જીજે.૦૧.ડબલ્યુબી ૯૮૩૧ પર શંકા જતાં પોલીસે તેને અટકાવી હતી ત્યારબાદ અંદર બેઠેલા બંને જણાની પુછપરછ કરતા મહેશ અશોકભાઈ શ્રીમાળ(રહે. સુવર્ણપાર્ક ફ્લેટ, નરોડા, અમદાવાદ) અને સમીર દિપકભાઈ ચૌહાણ (રહે. શ્રીરામ એપાર્ટમેન્ટ, નરોડા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતુ.
ત્યારબાદ પોલીસને ઈકોમાંથી સીટની નીચે તથા પાછળના ભાગેથી રૂ. ૬ર હજારની કિંમતની ર૩પ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેના પુરાવા રજુ કરવા જણાવાતા આ બંને જણાએ કોઈ આધાર પુરાવો રજૂ કર્યો ન હતો.જેથી પોલીસે ઈકો તથા દારૂનો જથ્થો મળી રૂ. ર.૬ર લાખનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બે તથા રાજસ્થાનમાંથી દારૂનો જથ્થો આપનાર શખ્સ મળી ત્રણ વિરૂધ્ધ એલસીબીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
