ગુજરાતી ફિલ્મ ‘જય કનૈયા લાલ કી’ – સંસ્કાર, હાસ્ય અને મનોરંજનનું અદભુત મિશ્રણ
અમદાવાદ, ફિલ્મની વાર્તા ‘કનૈયા લાલ’ (સિદ્ધાર્થ રાંદેરિયા) નામના એક એવા પાત્રની આસપાસ ફરે છે, જે આજના આધુનિક યુગમાં પણ જૂના મૂલ્યો અને માનવીય લાગણીઓને જીવંત રાખવામાં માને છે. જ્યારે પરિવારમાં પેઢીઓ વચ્ચેના અંતર (Generation Gap) ને કારણે તિરાડો પડવા લાગે છે, ત્યારે કનૈયા લાલ પોતાની આગવી શૈલીમાં અને રમૂજ સાથે કેવી રીતે આખાય પરિવારને જોડી રાખે છે, તે જોવું ખરેખર હૃદયસ્પર્શી છે.
કનૈયાલાલે એન્જીનિયર તરીકે ફેક્ટરીમાં આખી જીંદગી કામ કર્યુ અને છેલ્લે નિવૃત થાય છે, પત્નિ પુષ્પા (વૈશાલી ઠક્કર) પુત્રી (અનેરી વાજાણી) અને પુત્ર (શ્રેય મરડિયા) સાથે નિવૃત્તી પછીની જિંદગી વિતાવવાની તૈયારીઓ કરે છે. ત્યારે તેમની પાસે પ્રોવિડન્ડ ફંડના જે નાણાં આવે છે તે નાણાં બેંકમાં જમા કરાવે છે અને જ્યારે તેમની દિકરીના લગ્ન માટે જરૂર પડે છે
ત્યારે કોઈ મોટો વેપારી બેંક સાથે 100 કરોડનું ફ્રોડ કરે છે અને કનૈયાલાલ નાણાં ઉપાડી શકતા નથી. તે ફેકટરીના માલિકના પુત્ર, મિત્રો અને સંબંધીઓના નાણાંની વ્યવસ્થા કરવાના પ્રયત્નો કરે છે પરંતુ સફળ થતાં નથી અને પછી બેંકમાંથી નાણાં ઉપાડવા એક અનોખી યોજના ઘડી કાઢે છે, અને પછી ….
-
સિદ્ધાર્થ રાંદેરિયા (Siddharth Randeria): હંમેશની જેમ ‘ગુજરાતી રંગભૂમિના બાદશાહ’ સિદ્ધાર્થભાઈએ આખી ફિલ્મ પોતાના ખભા પર ઉંચકી છે. તેમની કોમિક ટાઈમિંગ તો લાજવાબ છે જ, પણ ઈમોશનલ સીન્સમાં તેમની આંખો ઘણું બધું કહી જાય છે. સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી મનોરંજન જગતના ‘હાસ્ય સમ્રાટ’ અને રંગભૂમિના બેતાજ બાદશાહ ગણાય છે. ગુજરાતી નાટકોમાં તેમનું યોગદાન અજોડ છે, ખાસ કરીને તેમની ‘ગુજ્જુભાઈ’ સીરિઝ (જેમ કે ‘ગુજ્જુભાઈની ગોલમાલ’) એ વિશ્વભરમાં ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા છે. તેમના નાટકો માત્ર કોમેડી જ નહીં, પણ મધ્યમવર્ગીય પરિવારની સંવેદનાઓને પણ વાચા આપે છે.
-
હિતુ કનોડિયા (Hitu Kanodia): ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતુ કનોડિયાએ આ ફિલ્મમાં એક ખૂબ જ મેચ્યોર પર્ફોર્મન્સ આપ્યું છે. ફિલ્મમાં એક પોલિસ ઓફિસર તેમની હાજરી ફિલ્મમાં ગંભીરતા ઉમેરે છે. હિતુ કનોડિયા ગુજરાતી સિનેમાના એક દિગ્ગજ કલાકાર છે. તેઓ સુપરસ્ટાર નરેશ કનોડિયાના પુત્ર છે અને તેમણે પોતાના અભિનયના જોરે ગુજરાતી ફિલ્મ જગતમાં એક અલગ ઓળખ બનાવી છે. ૯૦ના દાયકાના અંતમાં અને ૨૦૦૦ની શરૂઆતમાં હિતુ કનોડિયાએ અનેક સુપરહિટ ફિલ્મો આપી. તેમની જોડી અભિનેત્રી મોના થીબા (જેમની સાથે તેમણે લગ્ન કર્યા છે) સાથે ખૂબ જ લોકપ્રિય હતી.
વૈશાલી ઠક્કર (Vaishalee Thakkar): સિદ્ધાર્થ રાંદેરિયાના પત્નિ તરીકે ફિલ્મમાં તેમની કેમિસ્ટ્રી અને અભિનય ખૂબ જ સહજ છે. તેમણે મધ્યમવર્ગીય ગૃહિણીની લાગણીઓને વાસ્તવિક રીતે રજૂ કરી છે. ઉત્તરનમાં અમ્મુ તરીકે જાણીતી છે. વૈશાલી ઘણા લાંબા સમયથી ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલી છે કારણ કે તેના પિતાએ પણ ગુજરાતી રંગભૂમિમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેનો ભાઈ હેમલ એક લોકપ્રિય ટેલિવિઝન નિર્માતા છે. તેણીએ ગુજરાતી નાટકોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ટીવી શો “બા બહુ ઔર બેબી” માં કામ કર્યું હતું જ્યાં પ્રવીણા તરીકેની તેણીની સ્ક્રીન ભૂમિકાએ તેણીને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી.
-
અનેરી વાજાણી (Aneri Vajani) અને શ્રેય મરડિયા (Shrey Maradiya): યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરતા આ બંને કલાકારોએ ફ્રેશ એનર્જી આપી છે. ખાસ કરીને અનેરીનો અભિનય આધુનિક ગુજરાતી યુવતી તરીકે પ્રભાવશાળી છે. ‘બેહદ’માં સાંજ માથુર તરીકે તેના ભાવુક અને મજબૂત અભિનયની ખૂબ પ્રશંસા થઈ. તેણે ભારતની નંબર વન સિરિયલ ‘અનુપમા”માં અનુજ કાપડિયાની બહેન માલવિકા (મુક્કુ) તરીકે યાદગાર ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તે ‘ખતરોં કે ખિલાડી ૧૨’ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી છે.
નિર્દેશન અને ટેકનિકલ પાસાં –ફિલ્મનું નિર્દેશન સુઘડ છે. ક્યાંય પણ વાર્તા ખેંચાતી હોય તેવું લાગતું નથી. સિનેમેટોગ્રાફીમાં ગુજરાતના લોકેશન્સને સરસ રીતે કવર કરવામાં આવ્યા છે. સંગીતની વાત કરીએ તો, ગીતો કાનને ગમે તેવા છે અને વાર્તાના પ્રવાહને આગળ ધપાવવામાં મદદરૂપ થાય છે.
