યુક્રેન પર રશિયાનો મિસાઈલ હુમલોઃ ૪ મોત, ૨૨ ઘાયલ
રશિયાના પ્રમુખના ઘર પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં આ હુમલો કરાયો
રશિયાની ઓરેશ્નિક મિસાઈલે માત્ર ૧૨-૧૩ મિનિટમાં ૧,૮૦૦ કિમીનું અંતર કાપ્યું હતું અને ૧૦૦૦૦ પ્રતિ કલાકની ઝડપે લ્વિવ પ્રાંતમાં ટાર્ગેટ પર વાર કર્યાે હતો
નવી દિલ્હી,બે જહાજ જપ્ત કરવાના મામલે અમેરિકા સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુક્રેન પર હુમલા શરૂ કર્યા છે. રશિયાએ શુક્રવારે નવી ઓરેશ્નિક બેલાસ્ટિક મિસાઈલ તથા અન્ય શસ્ત્રોથી યુક્રેન પર ભીષણ હુમલો કર્યાે હતો. યુક્રેનના જણાવ્યા મુજબ, આ હુમલામાં ૪ વ્યક્તિ ઘાયલ થયા હતા અને ૨૨ ઘાયલ થયા હતા.
રશિયાએ યુક્રેનના પશ્ચિમ લ્વિવ પ્રાંતમાં ગેસ સ્ટોરેજની અંડરગ્રાઉન્ડ ફેસિલિટી પર હુમલો કર્યાે હોવાનું કહેવાય છે, પરંતુ આ અંગે રશિયાએ સત્તાવાર માહિતી આપી નથી. રશિયાની ઓરેશ્નિક મિસાઈલે માત્ર ૧૨-૧૩ મિનિટમાં ૧,૮૦૦ કિમીનું અંતર કાપ્યું હતું અને ૧૦૦૦૦ પ્રતિ કલાકની ઝડપે લ્વિવ પ્રાંતમાં ટાર્ગેટ પર વાર કર્યાે હતો. યુક્રેન એરફોર્સના જણાવ્યા મુજબ, રશિયાએ એક જ રાતમાં કરેલા ભીષણ હુમલામાં ૨૪૨ ડ્રોન અને ૩૬ મિસાઈલનો ઉપયોગ થયો હતો. એક મીડિયમ રેન્જ મિસાઈલનો પણ ઉપયોગ થયો હતો, પરંતુ આ મિસાઈલ ઓરેશ્નિક હતી કે નહીં તે અંગે જાણકારી અપાઈ ન હતી.
ટુક્રેના જણાવ્યા મુજબ, રશિયાના અસ્ટ્રાખાન પ્રાંતમાં આવેલી ટેસ્ટ સાઈટ પર મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી. આ સ્થળને ઓરેશ્નિક મિસાઈલ લોન્ચર સાઈટ તરીકે ઓળખવામાં આવે છે.રશિયાના સંરક્ષણ મંત્રીએ જણાવ્યુ હતું કે, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના ઘર પર ગત મહિને થયેલા ડ્રોન હુમલાના જવાબમાં આ હુમલો કરાયો હતો. આ હુમલામાં અમરિકન ડ્રોનનો ઉપયોગ થયો હોવાનું કહેવાય છે.
જો કે યુક્રેન અને અમેરિકા બંનેએ આ આરોપ નકાર્યા છે. આ હુમલા સાથે રશિયાએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે શિંગડા ભેરવવાનું એલાન કર્યું હોવાનું મનાય છે. ટ્રમ્પે રશિયા પર આકરા પ્રતિબંધો લાદી આર્થિક પાયમાલ કરવાનું વિચાર્યું છે ત્યારે રશિયાએ ધમકીને વશ થવાના બદલે વળતા પ્રહારની તૈયારી કરી હોવાનો સંકેત આ હુમલાથી અપાયો છે.ss1
