સુરતમાં ટી સ્ટોલના માલિકની હત્યા કરનાર બેને આજીવન કેદ
સુરતમાં પૈસાની લેતી-દેતીમાં હત્યા
મૃતક રોહિતસિંઘ પાસેથી અક્ષયે રૂ.૮૦ હજાર ઉછીના લીધા હતા, આ રૂપિયાની ઉઘરાણી કરતા રોહિતસિંઘે અક્ષયને ધમકી પણ આપી હતી
સુરત,સુરતમાં પાંચ વર્ષ પહેલા મગદલ્લા વાય જંકશન પાસે ખેતલાઆપા ટી સ્ટોલમાં સુતેલા ૨૩ વર્ષિય યુવકની ૮૦ હજારની લેતી-દેતીમાં હત્યા કરવાના કેસમાં સુરતની કોર્ટે બે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને એક-એક હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.મગદલ્લા વાય જંકશન પાસે ખેતલાઆપા ટી-સ્ટોલ ચલાવતા ૨૩ વર્ષીય રોહિતસિંઘ અમરપાલસિંઘ પરીહાર ટી-સ્ટોલ ખાતે જ રહેતા હતા.
દરમિયાન ૧૬-૯-૨૦૨૧નાં રોજ મોડી રાત્રિના સમયે આરોપી અક્ષય ઉર્ફે એલેક્ષ સુલામ ગઢઇ ઓટો રીક્ષામાં તેના સાગરીત કિશન ઉર્ફે ક્રિષ્ના કાલીશંકર ગુપ્તા (રહે. અલથાણ એસએમસી ક્વાટર્સ મુળ રહે. કુંવરપુર, મછલીશહર, જી. જૌનપુર, ઉત્તરપ્રદેશ) સાથે આવી ટી-સ્ટોલમાં સુતેલા રોહિતસિંઘને અક્ષય અને કિશને રેમ્બો છરા તેમજ ચપ્પુ વડે ગળાના ભાગે તેમજ છાતીના ભાગે ઘા મારી કરપીણ હત્યા કરી નાંખી હતી.મૃતક રોહિતસિંઘ પાસેથી અક્ષયે રૂ.૮૦ હજાર ઉછીના લીધા હતા.
આ રૂપીયાની ઉઘરાણી કરતા રોહિતસિંઘે અક્ષયને ધમકી પણ આપી હતી. ઉશ્કેરાટમાં આવીને રોહિતસિંધની હત્યા કરી દેવાઇ હતી. આ કેસની આજે કોર્ટમાં સુનાવણી થતા સરકારી વકીલ સંતોષકુમાર ગોહીલ આરોપીઓને મહત્તમ સજા કરવા દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલો બાદ આરોપી અક્ષય ગઢઈ તેમજ કિશન ગુપ્તાને આજીવન કેદની સજા ફટકારી હતી.ss1
