ભારત સામે સિરીઝ ડ્રો કરવી તે ઇંગ્લેન્ડની નિષ્ફળતા હતીઃ કૂક
શુભમન ગિલે એ સિરીઝમાં શાનદાર ફોર્મ દાખવીને ચાર સદી ફટકારી હતી
શુભમન ગિલની નવીસવી ટીમ સામે ડ્રો કરનારી ટીમની એશિઝમાં કસોટી થઈ ગઈઃ કૂક
મેલબોર્ન,ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક વર્તમાન અંગ્રેજ ટીમથી નારાજ છે અને તેમનું કહેવું છે કે શુભમન ગિલની ઓછી અનુભવી અને નવીસવી ટીમ સામે પાંચ ટેસ્ટની સિરીઝ ૨-૨ થી ડ્રો કરીને બેન સ્ટોક્સના ખેલાડીઓ ગર્વ અનુભવતા હતા પરંતુ ખરેખર તો કોઈ મહાન બાબત ન હતી. આ સિરીઝ નહી જીતવાને કારણે ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પછડાટ ખાઈ રહી છે તેમ કૂકનું માનવું છે.
એશિઝ સિરીઝમાં ચોથી ટેસ્ટના વિજય અગાઉ ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ત્રણ ટેસ્ટમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને માત્ર ૧૧ દિવસની રમતમાં જ તેઓ ત્રણ ટેસ્ટ અને સાથે સાથે એશિઝ ગુમાવી ચૂક્યા હતા.આ વર્ષના મધ્યમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝ રમાઈ હતી જેમાં એક ડ્રોને બાદ કરતાં બંને ટીમ બે બે ટેસ્ટ જીતી હતી.
હેલી વાર કપ્તાની કરી રહેલા શુભમન ગિલ માટે આ ગૌરવપ્રદ ક્ષણ હતી પરંતુ ઇંગ્લેન્ડની દૃષ્ટિએ જોઇએ તો તેમના માટે આ નિષ્ફળતા હતી કેમ કે તેમણે એશિઝની તૈયારીરૂપે રમાયેલી સિરીઝ જીતવાની જરૂર હતી તેમ એલિસ્ટર કૂકનું માનવું છે. શુભમન ગિલે એ સિરીઝમાં શાનદાર ફોર્મ દાખવીને ચાર સદી સાથે ૭૫૪ રન ફટકાર્યા હતા. તેમાં એક બેવડી સદી પણ સામેલ હતી.
એલિસ્ટર કૂકે જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડની ટીમનું વર્તમાન પ્રદર્શન ખામીયુક્ત છે. આ દેખાવથી તેની પ્રગતિ પર બ્રેક વાગી ગઈ છે. તેમણે સારી શરૂઆત કરી હતી. રોબર્ટ કી, મેક્કુલમ અને બેન સ્ટોક્સે મજબૂત પ્રારંભ કર્યાે હતો. મેક્કુલમના કોચિંગમાં ઇંગ્લેન્ડે પ્રથમ દસમાંથી આઠ ટેસ્ટ જીતી હતી અને પહેલું વર્ષ બરાબર રહ્યું હતું પરંતુ ત્યાર બાદ તેમની અધોગતિ થઈ છે અને હજી પણ ટીમનું કંગાળ પ્રદર્શન અને પતન જારી છે.
હું રોબર્ટ કીને પસંદ કરું છું, મેક્કુલમને પસંદ કરું છું. તેમની સ્ટાઇલ અને તેઓ જે વિચારે છે તે પણ યોગ્ય છે પરંતુ એમ લાગે છે કે ભારત સામે રમતી વખતે તેમણે ઓસ્ટ્રેલિયા અને એશિઝની તૈયારીને નજરઅંદાજ કરી હતી અને હાલમાં તેઓ પરિણામ ભોગવી રહ્યા છે, બાકી શુભમન ગિલની ટીમ એવી જોરદાર ન હતી કે તેમની સામે સિરીઝ જીતી શકાય નહીં. એ સિરીઝ ડ્રો કરવી તે ભારતની સફળતા કરતાં ઇંગ્લેન્ડની નિષ્ફળતા તરીકે હું જોઈ રહ્યો છું તેમ કૂકે ઉમેર્યું હતું.ss1
