ગાંધીનગરના રહેવાસીઓની પ્રાર્થના- અમને મહાનગરપાલિકાથી બચાવો ?
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગના સચિવ રહી ચૂકેલા સદ્ગત પ્રેમશંકર ભટ્ટે એકલા હાથે લડીને ટેકનીકલ કારણોસર ગાંધીનગરને મહાનગરપાલિકા મળે તે માટે હાઈકોર્ટમાં લડત કરેલી.
સચિવ ભટ્ટનો એ પાછળનો શુભ ઉદ્દેશ એવો હતો કે મહાનગરપાલિકા હોય તો શહેરને વિકાસ માટે વધુ ગ્રાન્ટ મળે.હાઈકોર્ટમાં પ્રેમશંકર ભટ્ટ જીતી ગયા અને ગાંધીનગરને મહાનગરપાલિકા મળી પણ ખરી પરંતુ ફળી નહીં.
ગાંધીનગર મહાનગરપાલિકાનો વહીવટ એટલો રેઢિયાળ ચાલે છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગાંધીનગરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જેનુ સમારકામ થતું જ નથી!
આ સંજોગોમાં ગાંધીનગરના રહેવાસીઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હજુ સુધી જે રોજિંદી સેવાઓ રાજ્ય સરકાર સંભાળે છે અને મહાનગરપાલિકાને હજુ સુધી નથી સોંપી એ ક્યારેય ન સોંપે અને રાજ્ય સરકાર કાયમ પોતાની પાસે જ રાખે જેથી કરીને એ સેવાઓ અવિરત ચાલું રહે!
ભા.જ.પ.ની કામગીરીની વહેંચણીની અદ્દભુત પદ્ધતિ

સરકારની કાર્યપદ્ધતિમાં એવું હોય કે કોઈ મોટો કાર્યક્રમ હોય તો જવાબદારી નક્કી કરીને વહેંચી દેવામાં આવતી હોય છે.એ રીતે ભારતીય જનતા પક્ષમાં પણ એ કાર્યપદ્ધતિ અપનાવવામાં આવી છે.
એનું તાજું ઉદાહરણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત તા.૧૦,૧૧અને ૧૨ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા તો તેમનાં પ્રવાસનાં સંદર્ભે ગુજરાત સરકારનાં મંત્રીઓને વિવિધ જવાબદારીઓ સોંપી દેવામાં આવી.
તેને પરીણામે (૧)ઃ-તા.૫ થી તા.૧૦ જાન્યુઆરીના અઠવાડિયા દરમિયાન બહું ઓછાં મંત્રીઓ સચિવાલયમાં આવ્યાં અને સૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને ચાર ચાંદ લાગી જાય એવી કામગીરીમાં પરોવાઈ ગયા,
(૨)ઃ-આ કારણ સબબ રાજ્ય મંત્રીમંડળની દર બુધવારે મળતી બેઠક પણ તા.૭/૧/૨૬ને બુધવારના દિવસે બોલાવવામાં ન આવી.
(૩)ઃ-લગભગ સમગ્ર ગુજરાત રાજ્યનું વહીવટીતંત્ર અન્ય કોઈ કામ જ ન હોય એ રીતે ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને સફળ બનાવવાનાં કાર્યમાં લાગી ગયું હતું.
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી જનસંપર્ક મજબૂત રાખે છે!

ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણી અને લોકપ્રિય નેતા દિલીપ સંઘાણીએ પોતાની ચાહના વધે અને લોકોને ગમે એવો અભિગમ અપનાવ્યો છે.
અત્યારે ટ્રેન્ડ એવો છે કે નેતાઓને મળવાં જતા કાર્યકરોને તેમને મળીને ફોટા પડાવવા ગમે છે એટલું જ નહીં એ સોશ્યલ મીડિયા પર મુકવા પણ ગમે છે.લોકોની આ નાડ પારખીને દિલીપ સંઘાણીએ એવી વ્યવસ્થા ગોઠવી છે કે તેમને મળવા આવતા લોકોને તેમનો (દિલીપ સંઘાણી સાથેનો) ફોટો ફકત એક ક્યુઆર કોડ સ્કેન કરવાની સાથે મળી જાય.
આ ઉપરાંત સોશ્યલ મીડિયાના બધા પ્લેટફોર્મ પર એ ઉપલબ્ધ થઇ જાય છે. મહત્વની વાત તો એ છે કે કેન્દ્રનાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તમામ સહકારી સંસ્થાઓને આ મોડેલને અનુસરવાનું જણાવ્યું છે. આ દિલીપ સંઘાણીની પ્રાપ્તિ ગણાય.
ભા.જ.પ. પ્રદેશ માળખાંમાં પ્રશાંત વાળાની અત્યંત યોગ્ય પદવાપસી

ભારતીય જનતા પક્ષના નવા પ્રદેશ માળખાંમાં પ્રદેશ મિડિયા પ્રભારી તરીકે મૂળ જુનાગઢના પ્રશાંત વાળાની થયેલી પૂનઃ નિયુક્તિ સર્વથા ઉચિત છે એવું અનેક મીડિયા કર્મીઓ અનુભવી રહ્યા છે.તેનું કારણ એ છે કે પ્રશાંત વાળા અત્યંત નમ્ર,વિવેકી અને મીતભાષી કાર્યકર છે.
તેઓ દરેક પત્રકારને વ્યક્તિગત રીતે ઓળખે છે અને સંપર્કમાં રહે છે.સૌથી મોટી વાત તો એ છે કે વાળા પત્રકારોનો ફોન તરત ઉપાડે છે અને જો કોઈ કારણસર ન ઉપાડી શકે તો અનુકૂળતાએ સામે ફોન કરે છે. વાંચવાની ટેવ ધરાવતા પ્રશાંત વાળા એક ઠાવકા સજ્જન છે. ભા.જ. પ.ના કાર્યકર્તાઓમાં સતત સત્તાને કારણે જે એટીટ્યુડ આવી ગયો છે તેમાંથી પ્રશાંત વાળા મુક્ત છે.
પી.એ. હો તો પરેશ ગોહેલ જૈસા!

ભા.જ.પ.ના જે કાર્યકર્તાઓ સરકાર અને સત્તામાં ગોઠવાઈ ગયા પછી પણ સંઘના સંસ્કારો સાચવીને રહે છે અને પક્ષનુ તથા સરકારનું કામ નિષ્ઠાથી કરે છે તેમાંના એક પરેશ ગોહેલ છે.હાલ ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન દિલીપ સંઘાણીના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા પરેશ નવીનચંદ્ર ગોહેલ ખૂબ સંસ્કારી યુવાન છે.
બહુ ઓછાં લોકો પાસે હોય તેવી હોય એવી એક કળા શિવભક્ત પરેશ પાસે છે અને એ કળા એ છે કે ગોહેલને શંખ ફૂંકતા(એટલે કે વગાડતા)બહુ સરસ આવડે છે.મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામના વતની અને બાલ્ય કાળથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તથા બી.કોમ, એલ.એલ.બી.
અને પોલીટીકલ સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી મેળવનાર ગોહેલને તાજેતરમાં ઇફ્કોના દિલ્હી સ્થિત મુખ્ય મથકની કોર્પોરેટ ઓફિસમાં ચેરમેનના ખાસ ફરજ પરના અધિકારી તરીકે બઢતી આપીને નિમણૂક આપવામાં આવી છે.
નમ્ર,વિવેકી,ઓછાબોલા અને જીભ કરતાં હાથપગ હલાવવામાં વધું માનતા પરેશ દિલ્હી જઈને ફરજ બજાવવાનું શરૂ કરતાં પહેલાં કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહના આશીર્વાદ પણ મેળવી લીધાં છે.
