Western Times News

Gujarati News

હાલોલમાંથી અપહરણ થયેલ ૫ માસનું બાળક ગણતરીના દિવસોમાં હેમખેમ મળ્યું

પંચમહાલ જિલ્લા પોલીસની સંવેદનશીલ અને પ્રશંસનીય કામગીરી

(પ્રતિનિધિ)ગોધરા, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના પાવાગઢ રોડ ઉપર સાંઈ બાબાના મંદિર પાસે આવેલા ફુટપાથ પરથી અપહરણ થયેલ ૫ માસના બાળકને પંચમહાલ જિલ્લા પોલીસે સફળતાપૂર્વક શોધી કાઢી તેની માતા સાથે મિલન કરાવ્યું છે.

ગઈ તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ ફરીયાદી શ્રીમતી આશાબેન અર્જુનભાઈ દેતાણી પાવાગઢ રોડ ઉપર પોતાના બાળકો સાથે ફુટપાથ પર સુઈ રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના બાર વાગ્યાની આસપાસ એક અજાણી મહિલાએ તેમની પાસે સુઈ રહેલ ૫ માસના બાળકનું અપહરણ કર્યું હતું. આ અંગે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૩૭(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી., હાલોલ ટાઉન તથા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો રચવામાં આવી. નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ટીમોએ સીસીટીવી ફૂટેજની તપાસ, ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સઘન શોધખોળ શરૂ કરી હતી.

ઘટનાની માહિતી મીડિયા અને સોશિયલ મીડિયા મારફતે જાહેર કરી તેમજ આસપાસના ગામોના સરપંચોનો સંપર્ક કરી માહિતી વહેંચવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે પનોરમા ચોકડી પાસે એક મહિલા અને એક પુરુષ પાસે નાનું બાળક છે. તેના આધારે પોલીસ ટીમે ત્યાં તપાસ કરતા એક ઓરડીમાંથી અપહરણ થયેલ બાળક મળી આવ્યું. બંને શંકાસ્પદ વ્યક્તિઓ બાળકના વાલીપણા અંગે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

ત્યારબાદ બાળકને પોલીસ સ્ટેશન લાવી ફરીયાદી આશાબેન પાસે ઓળખ કરાવતા તેમણે બાળક પોતાનું હોવાનું ખાતરીપૂર્વક જણાવ્યું હતું. આ સમયે પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

પકડાયેલ આરોપીઓના નામ નીચે મુજબ છેઃ (૧) જશોદાબેન વિક્રમભાઈ ભલસિંહ પરમાર (ઉ.વ. ૪૦), મુળ રહે. નવાપરા ફળિયું, ફરોડ ગામ, તા. ઘોઘંબા, જી. પંચમહાલ, હાલ રહે. પ્રેમ એસ્ટેટ, હરસિદ્ધી માતાના મંદિર પાસે, હાલોલ.

(૨) સુરેશભાઈ મફતસિંહ પરમાર (ઉ.વ. ૪૨), મુળ રહે. ખરચી ફળિયું, ફરોડ ગામ, તા. ઘોઘંબા, જી. પંચમહાલ, હાલ રહે. પ્રેમ એસ્ટેટ, હરસિદ્ધી માતાના મંદિર પાસે, હાલોલ. હાલ પકડાયેલ બંને આરોપીઓની ઉંડાણપૂર્વક પુછપરછ ચાલુ છે. પંચમહાલ જિલ્લા પોલીસે અપહરણ થયેલ બાળકને સંવેદનશીલતા અને માનવતાપૂર્વક ગણતરીના દિવસોમાં શોધી કાઢી તેની માતા સાથે મિલન કરાવ્યું હોવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.